રાજ્યના ડીવાયસીએમ Harsh Sanghavi દ્વારા આજે વિધાનસભામાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો રજૂ કરવામાં આવ્યા છે. નવી પદ્ધતિ હેઠળ લગ્ન નોંધણી વધુ વ્યવસ્થિત, દસ્તાવેજ આધારિત અને પારદર્શક બનાવવા સરકાર પ્રયત્નશીલ છે.

સરકારના જણાવ્યા મુજબ નવી વ્યવસ્થા દ્વારા ખોટી નોંધણીઓ રોકવી, પરિવારજનોને માહિતી સુનિશ્ચિત કરવી અને સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવવાનો મુખ્ય હેતુ છે.

અરજી પ્રક્રિયામાં બદલાવ

નવી પદ્ધતિ મુજબ લગ્ન નોંધણી માટેની અરજી વર-વધુ અને બે સાક્ષીઓની સહી સાથે રજૂ કરવી ફરજિયાત રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરાવેલી હોવી જોઈએ અને બંને પક્ષે સરકાર દ્વારા માન્ય ઓળખ પુરાવા જોડવાના રહેશે.

જરૂરી દસ્તાવેજોની યાદી

લગ્ન નોંધણી માટે હવે નીચેના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે:

વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ

જન્મ પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

લગ્નની કંકોત્રી અથવા આમંત્રણ પત્રિકા

વર-વધુના અલગ-અલગ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ

લગ્ન વિધિ દર્શાવતો ફોટોગ્રાફ

સાક્ષીઓના તાજેતરના ફોટા

માતા-પિતાને લગ્ન અંગે જાણ કરવામાં આવી છે તે અંગેનું ડિક્લેરેશન

માતા-પિતાની માહિતી ફરજિયાત

નવી વ્યવસ્થા મુજબ વર-વધુએ માતા-પિતાની વિગતવાર માહિતી આપવાની રહેશે, જેમાં નામ, સરનામું, આધાર વિગતો અને મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે.

માતા-પિતાને સત્તાવાર જાણ કરવાની જોગવાઈ

આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર દ્વારા અરજી મળ્યાના દસ કામકાજના દિવસોમાં માતા-પિતાને ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક રીતે જાણ કરવામાં આવશે. સરકાર દ્વારા નક્કી કરેલા માધ્યમથી આ સૂચના મોકલાશે.

30 દિવસ પછી થશે નોંધણી

અરજી સંબંધિત જિલ્લા અથવા તાલુકા રજીસ્ટ્રારને મોકલવામાં આવશે અને તમામ નિયમોની પુર્તતા થયા બાદ 30 દિવસ પૂર્ણ થયા પછી લગ્ન નોંધણી કરવામાં આવશે.

ઓનલાઈન પોર્ટલ પર થશે નોંધણી

સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઈન પોર્ટલ પર લગ્નની તમામ વિગતો અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ નોંધણીનું સત્તાવાર પ્રમાણપત્ર તૈયાર કરીને વ્યક્તિગત રીતે અથવા પોસ્ટ દ્વારા આપવામાં આવશે.

સરકારનો ઉદ્દેશ

સરકારનું માનવું છે કે નવી પદ્ધતિથી લગ્ન નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે, કાનૂની સુરક્ષા મજબૂત બનશે, ખોટી અથવા ગેરકાયદેસર નોંધણીઓ અટકશે, ડિજિટલ રેકોર્ડથી વહીવટી પ્રક્રિયા સરળ બનશે.