Vadodara Court Bomb Threat: વડોદરા શહેરની સ્કૂલોને મળેલી ધમકી બાદ હવે કોર્ટને નિશાન બનાવતા અજાણ્યા તત્વોએ ધમકીભર્યો ઈ-મેઈલ મોકલ્યો હોવાની માહિતી સામે આવી છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ કરતો મેઈલ મળતા જ વકીલ આલમ અને અરજદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું અને કોર્ટ પરિસરમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધમકીભર્યા મેઈલમાં કોર્ટ બિલ્ડિંગને ઉડાવી દેવાની સીધી ચેતવણી આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
માહિતી મળતા જ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. કોર્ટ પરિસરના દરેક ખૂણાની બારીકીથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોર્ટ બિલ્ડિંગ, પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા વાહનો તેમજ શંકાસ્પદ માનવામાં આવતા સ્થળોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટમાં પ્રવેશ માટે કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આવન-જાવન પર નિયંત્રણ મૂકીને દરેક વ્યક્તિની તપાસ બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
આ બનાવને પગલે વકીલોમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક વકીલો અને અરજદારો કોર્ટ પરિસર બહાર જ ઉભા રહી પરિસ્થિતિ અંગે માહિતી મેળવતા નજરે પડ્યા. તંત્ર દ્વારા લોકોને અફવાઓ પર વિશ્વાસ ન રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ધમકીભર્યો મેઈલ ક્યાંથી અને કોના દ્વારા મોકલાયો તે અંગે સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરમાં અગાઉ સ્કૂલોને મળેલી ધમકીઓ બાદ સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ કડક કરવામાં આવી હતી. હાલ સુધી કોર્ટ પરિસરમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સંપૂર્ણ સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ સત્તાવાર નિવેદન આપવામાં આવશે.





