Ahmedabad News: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો દિવસેને દિવસે બેફામ બની રહ્યા છે. ખાસ કરીને ફતેવાડી વિસ્તારમાં એક જ દિવસે ફાયરિંગ અને લૂંટની બે ગંભીર ઘટનાઓ સામે આવતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

ચાની કીટલી પર ફાયરિંગ

ગઈકાલે (12 ફેબ્રુઆરી) મોડી રાત્રે અંદાજે 1:30 વાગ્યે ફતેવાડી વિસ્તારમાં ચાની કીટલી પર જૂના ઝઘડાની અદાવતમાં ત્રણ શખ્સોએ આવીને તાબડતોબ ફાયરિંગ કર્યું હતું.

મુદ્દસર અહેમદખાન પઠાણ, જે પરિવાર સાથે વિસ્તારમાં રહે છે અને ચાની કીટલી ચલાવે છે, તેમની કીટલી પર અરબાઝ નામનો શખ્સ અને તેના બે અજાણ્યા સાથીદારો આવ્યા હતા. અગાઉ કીટલી પર ન બેસવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં આરોપીઓએ ગાળો બોલી ‘ફૈઝાન ક્યાં છે, આજે તેને જાનથી મારી નાખવાનો છે’ તેવી ધમકી આપી.

ત્યારબાદ અરબાઝે મુદ્દસર પર ગોળી ચલાવી, જેમાં તેને જમણા પગમાં ઇજા પહોંચી હતી. આરોપીઓના બે સાથીદારોના હાથમાં છરીઓ પણ હતી. તેઓ કીટલી પર બે રાઉન્ડ ફાયરિંગ કરી વિસ્તારામાં દહેશત ફેલાવી ફરાર થઈ ગયા.

ઈજાગ્રસ્તના મિત્રના જણાવ્યા મુજબ આરોપીઓને ગાંજો વેચતા અટકાવ્યા હોવાથી બદલો લેવા માટે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.

ખાસ વાત એ છે કે ઘટના સ્થળ ફતેવાડી પોલીસ ચોકીથી માત્ર 500 મીટર દૂર છે. એટલી નજીક ફાયરિંગની ઘટના બનતાં પોલીસ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે.