Isudan Gadhvi: ગુજરાતના ખેડૂત આગેવાન રાજુભાઇ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજુભાઇ કરપડાનું મને રાજીનામું મળ્યું છે. તેમની સાથે વ્યક્તિગત વાતચીત હજી થઈ નથી, પરંતુ એટલું નિશ્ચિત છે કે રાજુભાઈએ ખેડૂતોના હક્ક માટે સતત અને દ્રઢ સંઘર્ષ કર્યો છે. તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા મજબૂત લડત ચલાવી હતી. હડદડ ખાતે યોજાયેલા આંદોલનમાં હજારો ખેડૂતો એકત્રિત થયા હતા અને કડદા પ્રથા બંધ કરાવવાનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો.

માત્ર એટલું જ નહીં, ગુજરાતભરની એપીએમસીમાં ચાલી રહેલી લૂંટ અને ભ્રષ્ટાચાર સામે પણ જંગ જાહેર કરવામાં આવ્યો હતો. આંદોલન બાદ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો અને ખેડૂત નેતાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત આશરે 85 જેટલા ખેડૂત અને આગેવાનો સામે ખોટા કેસ દાખલ કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા હતા. તેમ છતાં ખેડૂતો અને આગેવાનો અડગ રહ્યા અને તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો. રાજુભાઈની કઈ મજબૂરી હશે એના વિશે હાલ કોઈ જાણકારી નથી પરંતુ એમણે ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોને સારા ભાવ મળે અને ભાજપ જે લૂંટ ચલાવે છે, એને લઈને તેમણે ખૂબ જ આંદોલન કર્યા. જેના કારણે આમ આદમી પાર્ટી અને ખેડૂતોનું રાજુભાઈને ખુબ જ સમર્થન રહ્યું.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ સુદામડા ખાતે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબની હાજરીમાં યોજાયેલી વિશાળ સભામાં 50,000થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની એકતા અને જાગૃતિથી ગભરાઈ ભાજપ સરકારે અંદાજે ₹10,000 કરોડ જેટલું ખેડૂત રાહત પેકેજ જાહેર કરવું પડ્યું હતું. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં અનેક ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું. રાજ્યના 13,000 ગામોમાં કિસાન ન્યાય પંચાયત યોજાઈ હતી, નાની મોટી બેઠકો કરી અને 80,000થી વધુ ખેડૂતોના સમર્થન હસ્તાક્ષર એકત્રિત કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ભાજપ હંમેશા ખેડૂત આંદોલનને કમજોર કરવા અને આમ આદમી પાર્ટીના આગેવાનોને ડરાવવા – ધમકાવવાનો પ્રયાસ કરે છે. ભાજપ કોઈને કોઈ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવાની અને હેરાન કરવાની કોશિશ કરતી જ રહે છે અને જેલમાં પણ નેતાઓ સાથે અને કાર્યકર્તાઓ સાથે અત્યાચાર થયો હતો. ગુજરાતના ખેડૂત, મજૂર અને શ્રમિક વર્ગનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પર યથાવત છે. ખેડૂતોના હક્ક અને ન્યાય માટેનો અમારો સંઘર્ષ અવિરત ચાલુ રહેશે.