Dharmesh Bhanderi AAP: પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની આજે સુરત આવેલા અને બજેટનાં કથિત ફાયદા ગણાવ્યા તો એના જવાબમાં આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટીના નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સુરત આવ્યા હતા અને માત્ર સુરત શહેરને અને તેના નાગરિકોને ભ્રમિત કરવાના આશયથી પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મોટા મોટા દાવાઓ અને ભ્રમણા સિવાય સુરતના હિતમાં કોઈ સ્પષ્ટ જવાબ કે દ્રષ્ટિ જોવા મળી નથી. સુરત એક આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતું વેપાર કેન્દ્ર છે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ, આ બે ઉદ્યોગો પર સુરતની આર્થિક વૃદ્ધિ નિર્ભર છે. તેમ છતાં કેન્દ્રીય સરકારના તાજેતરના બજેટમાં આ બંને ઉદ્યોગો માટે કોઈ પણ પ્રકારની વિશેષ જોગવાઈ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં બજેટમાં સુરતને કંઈ મળ્યું નથી તે હકીકત છુપાવવા માટે જ આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આશ્ચર્યની વાત એ છે કે સુરતથી જ આવતા કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રીની ગેરહાજરીમાં આખી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જે ભાજપના આંતરિક મતભેદો અને સુરત પ્રત્યેની બેદરકારી દર્શાવે છે.
AAP શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ વધુમાં કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ મિત્રા પાર્કની વાત કરવામાં આવી, જે સુરત રેલવે સ્ટેશનથી લગભગ 45 કિલોમીટર દૂર બનાવવાની વાત છે. ધર્મેશ ભંડેરીએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ પ્રોજેક્ટ પણ સુરત ડાયમંડ બુર્સ જેવો નિષ્ફળ તો સાબિત નહીં થાય? સુરતનો હીરા ઉદ્યોગ શહેરના મધ્ય વિસ્તારો – મહિધરપુરા, વરાછા રોડ અને કતારગામમાં વિસ્તરેલો છે, છતાં 20–25 કિલોમીટર દૂર ડાયમંડ બૂર્સ બનાવવામાં આવી, જે આજે ખાલી પડેલી છે. ભાજપના નેતાઓ ગમે તેમ કરીને તેને સફળ સાબિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ હકીકતની સૌને જાણ છે. તેવી જ ચિંતા આજે ટેક્સટાઈલ વેપારીઓ પીએમ મિત્રા પાર્કને લઈને વ્યક્ત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આખા બજેટમાં સુરત શહેર માટે કોઈ વિશેષ જોગવાઈ નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જીએસટી સુધારાની વાત કરી, પરંતુ સુરતના વેપારીઓ આજે જીએસટીની જટિલ પ્રક્રિયા, અધિકારીઓના દબાણ અને રોજબરોજના ડરથી હેરાન અને કંટાળેલા છે. આ વાસ્તવિક સમસ્યાઓ પર પ્રેસ કોન્ફરન્સમાં એક શબ્દ પણ બોલવામાં આવ્યો નથી. ધર્મેશ ભંડેરીએ વધુમાં જણાવ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં જે વેપારી જૂથોના બજેટ વખાણ્યાના ઉલ્લેખ કરાયા, તેઓ તમામ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે. હકીકતમાં સુરતનો વેપારી વર્ગ આખા બજેટથી અસંતોષમાં છે. ગયા વર્ષે પણ બજેટને ઉત્તમ ગણાવાયું હતું, પરંતુ એક વર્ષમાં સુરતને શું ફાયદો થયો તેની કોઈ ચર્ચા નથી.
AAP નેતા ધર્મેશ ભંડેરીએ વધુમાં કહ્યું કે સુરત કરતા ઓછી વસ્તી ધરાવતા શહેરો જેમ કે જોધપુર, પટણા અને ગુવાહાટી જેવા શહેરોમાં આઈઆઈટી, ગેમિંગ હબ જેવી સંસ્થાઓની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે 80 લાખથી વધુ વસ્તી ધરાવતું અને દેશનું સૌથી ઝડપી વિકસતું શહેર હોવા છતાં સુરત સતત કેન્દ્રીય અને રાજ્ય સરકારની અવગણનાનો શિકાર બનતું આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તથા ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી હાજર હતા, પરંતુ બંનેમાંથી કોઈએ પણ સુરતને બજેટમાં શું મળ્યું તેની સ્પષ્ટ માહિતી આપી નથી. આ સમગ્ર વલણ ભાજપની સુરત પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. અંતમાં ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે સુરત એમએસએમઈ અને લઘુ ઉદ્યોગોનું મોટું કેન્દ્ર હોવા છતાં કેન્દ્ર સરકારે બજેટમાં સુરત માટે કોઈ જોગવાઈ કરી નથી. આમ આદમી પાર્ટી સુરત શહેરની જનતા તરફથી માંગ કરે છે કે ભારતીય જનતા પાર્ટી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ મુદ્દે સ્પષ્ટ ખુલાસો કરવો જોઈએ.





