Sagar Rabari AAP: આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ભાજપ સરકારને આકરા સવાલો પૂછ્યા હતા. સાગર રબારીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથે ભારતની જે ટ્રેડ ડીલ થઈ છે, તેનાથી ભારતના લોકો ખૂબ જ ચિંતિત છે. સંસદ સત્ર ચાલુ હોવા છતાં સરકાર અમેરિકા સાથેની ટ્રેડ ડીલ અંગે કોઈ માહિતી જાહેર કરતી નથી, જે અત્યંત ચિંતાજનક બાબત છે. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાનું 51મું રાજ્ય ગણીને આપણા દેશના નિર્ણયો લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે 140 કરોડથી વધુની વસ્તી ધરાવતા દેશની જાહેરાતો અમેરિકાના પ્રમુખ કરી રહ્યા છે. આપણા દેશના હિતની દ્રષ્ટિએ જોઈએ તો રશિયાનું ક્રૂડ ઓઇલ આપણને સસ્તામાં પડી રહ્યું છે. 1.64 લાખ કરોડનો જે રશિયન ક્રૂડ ઓઇલએ ફાયદો કરાવ્યો તેને ખરીદવાનું ધીરે ધીરે બંધ કરવામાં આવી રહ્યું છે કારણકે ટ્રમ્પ નારાજ ન થાય.

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ટ્રેડ ડીલ હોય કે ઓપરેશન સિંદૂર હોય, તમામની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. શું ભારતના ચૂંટાયેલા નેતા પોતાને ટ્રમ્પથી ઓછા માને છે? નાના નાના દેશો પણ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપે છે, પરંતુ ભારતના નેતાઓ છેલ્લા દસ વર્ષથી અમેરિકાની આંખમાં આંખ નાખીને કંઈ બોલવા તૈયાર નથી. આ ટ્રેડ ડીલથી ખેડૂતો અને ખેતી સિવાય અન્ય ક્ષેત્રોને પણ નુકસાન થશે. અમુક લોકો વાતાવરણ એવું કરી રહ્યા છે કે ટેરીફ 25%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે પરંતુ હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરીફ લાગુ કર્યા એ પહેલા ભારતીય પ્રોડક્ટ્સ પર 2 થી 3 ટકા ટેરીફ લાગતો હતો, જે હવે વધીને 18 ટકા થયો છે. હકીકતમાં અમેરિકા ભારતના 140 કરોડના બજારનો કબજો લેવા ઈચ્છે છે અને એના માટે ભારત સરકારને કોઈકને કોઈક રીતે ડરાવવાની કોશિશ કરે છે. જે ટ્વીટના માધ્યમથી માહિતી બહાર આવી એમાં કહેવામાં આવ્યું કે “ભારતના પ્રધાનમંત્રીની રિક્વેસ્ટના આધારે…” તો કોઈએ વિનંતી કરી કે કરગર્યા કે કાકલુદી કરી એનું અર્થઘટન હવે લોકોએ કરવાનું છે.

AAP નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે સંસદ ચાલુ હોય ત્યારે મહત્વપૂર્ણ જાહેરાતો સંસદમાં કરવામાં આવતી હોય છે પરંતુ બીજા દેશના રાષ્ટ્રપતિ આપણી જાહેરાતો કરે છે, જે ભારત દેશનું અપમાન છે, લોકોનું અપમાન છે અને આપણી સંસદનું અપમાન છે. હવે આ ડીલના કારણે અમેરિકાના ખેતી ઉત્પાદનો સસ્તા ભાવે ભારતના બજારમાં આવશે, જેના કારણે આપણા ખેડૂતોને ભારે નુકસાન થશે. સરકારના મંત્રી પિયુષ ગોયલ બે મોઢાની વાતો કરે છે, એમણે કહ્યું કે ખેડૂતોને નુકસાન નહીં થાય અને સાથે સાથે એ પણ કહ્યું કે ભારતમાં ઘણી બધી પ્રોડક્ટના ભાવ ઓછા થશે તો આ મુદ્દે અમારા સવાલ છે કે આ કઈ રીતે શક્ય છે? જો બહારથી પ્રોડક્ટ આવવાની હોય તો જ ભાવ ઓછા થવાના હોય અને જો બહારથી પ્રોડક્ટ આવશે તો ખેડૂતોને નુકસાન કેમ નહીં થાય?

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાદ સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે જો વડાપ્રધાન સંસદમાં ટ્રેડ ડીલ મુદ્દે વાત કરશે તો આખા દેશમાં હોબાળો થવાની શક્યતા છે અને ભાજપ વિરુદ્ધ માહોલ ઊભો થશે, જેના કારણે તેઓ સંસદમાં જવાનું ટાળી રહ્યા છે. પરંતુ કેટલાક દિવસ તમે ટાળશો? કારણ કે ભારત સરકાર અધિકૃત માહિતી જાહેર નહીં કરે તો અમેરિકા તો કરશે જ. અને જ્યારે માહિતી બહાર આવશે ત્યારે આ દેશનું અર્થતંત્ર તૂટી જશે. ટ્રેડ ડીલની થોડી ઘણી વિગતો સામે આવતા જ શેરબજાર ધડામ થયું છે કારણકે ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો સહિત અનેક ઇન્ડસ્ટ્રીને ખૂબ જ નુકસાન થવાનું છે. જો આ રીતના ટેરીફ રહ્યા તો અહીંની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ફરી ઊભી નહીં થઈ શકે. આ ટ્રેડ ડીલ બાદ દેશમાં બેરોજગારી વધશે અને માંગનો પણ ઘટાડો થશે જેના કારણે મોટી મંદી આવશે અને મંદીના કારણે ભારતની આખી અર્થવ્યવસ્થા જમીનદોસ્ત થઈ જશે એવી આશંકા છે.

આમ આદમી પાર્ટીની માંગ છે કે સેક્ટર વાઇઝ આઈટમ વાઇસ, કોણે કેટલી છૂટ આપી, કયું ઉત્પાદન કેટલી ડ્યુટી સાથે ભારતમાં આવી શકશે સહિતની તમામ માહિતી સરકાર સ્પષ્ટ કરે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત એનું ટેરિફ ઘટાડતા ઘટાડતા ઝીરો સુધી લઈ જશે. જેનાથી અમેરિકાનો કપાસ અમેરિકાનું ફ્રુટ સહિત અનેક વસ્તુઓ 0 ડ્યુટી સાથે ભારતમાં આવશે તો પણ ભારતીય ઉદ્યોગોની એ તાકાત નથી કે અમેરિકાની વસ્તુઓ સાથે સ્પર્ધા કરી શકે. આ ટ્રેડ ડીલની તમામ માહિતી બહાર આવશે, ત્યારબાદ આમ આદમી પાર્ટી એક-એક માહિતી લઈને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે જશે. સરકાર આ ડીલમાંથી પાછી હટે અને સંસદમાં ચર્ચા કરીને ભારતના હિતમાં હોય તેવી નવી ટ્રેડ ડીલ સાઇન કરે એવી માંગ કરીશું.

AAP નેતા સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે ભુપેન્દ્રભાઈએ ટૂંકી બાઈટ આપવાની જગ્યા પર અમેરિકા ક્યાં કેટલી ડ્યુટી લગાવશે એની સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. આ ડીલ બાદ ગુજરાતના યુવાનોના રોજગાર પર સકારાત્મક અસર થવાની હોય તો સરકાર આ મુદ્દે કેમ ક્રેડિટ નથી લેતી? નાની નાની વાતે દેશભરમાં મોટા મોટા હોલ્ડિંગ્સ લગાવીને અભિનંદન આપવામાં આવે છે, તો હજુ સુધી આવા હોર્ડિંગ્સ કેમ નથી લાગ્યા? આર્મીએ કરેલા ઓપરેશન સિંદૂરની ક્રેડિટ લેતા નેતાઓ હવે પોતે સાઇન કરેલી ટ્રેડ ડીલના હોર્ડિંગ્સ લગાવવા બજારમાં કેમ નથી ઉતરતા? વડાપ્રધાન અને ભુપેન્દ્રભાઈ પટેલના ફોટાવાળા હોર્ડિંગ્સ હજુ સુધી કેમ લાગ્યા નથી? આ હોર્ડિંગ્સ નથી લાગ્યા એ જ બતાવે છે કે જો આ વિગતો જાહેર થઈ તો ઘણા લોકો ખુલ્લા પડી જશે જશે. તો આ તમામ વસ્તુ દર્શાવે છે કે આ ડીલમાં એવી વસ્તુઓ છે જે ભારતના લોકોને અને ભારતના ભવિષ્યને ડુબાડવાવાળી છે.