Vipul Suhagiya AAP: સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી ‘રત્નકલાકાર સહાય યોજના’ના લાભો હજુ પણ અનેક જરૂરિયાતમંદ રત્ન કલાકારો સુધી પહોંચ્યા નથી. આ ગંભીર બાબતે સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રત્નકલાકારોને ન્યાય આપવાની ઉગ્ર માંગ કરી છે.

AAP’ ના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં મુખ્ય માંગણીઓ કરતા જણાવ્યું હતું કે, લાયકાત ધરાવતા હોવા છતાં હજારો રત્નકલાકારોના ફોર્મ કોઈ પણ સ્પષ્ટ કારણ વગર નામંજૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય માર્ગદર્શનના અભાવે રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજું કે, RTI કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. યોજનામાં પારદર્શિતા લાવવા માટે રત્નકલાકારો દ્વારા હજારોની સંખ્યામાં RTI (માહિતી અધિકાર) કરવામાં આવી છે, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા સમયમર્યાદામાં જવાબ આપવામાં આવતો નથી, અને જેમને આપવામાં આવ્યો છે તે અધુરો અને તમામને એક સમાન જવાબ આપવામાં આવ્યો છે.

’આપ’ કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ મુખ્યમંત્રી સમક્ષ માંગણીઓ કરતા જણાવ્યું હતું કે બાકી રહેલા તમામ રત્નકલાકારોને તાત્કાલિક સહાયની ચુકવણી કરવામાં આવે તેમજ RTI નો અધુરો જવાબ અથવા તો જવાબ ન આપનાર અને વિલંબ કરનાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.