CM Bhupendra Patel News: રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેકટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેકટરોએ પોતાના ક્ષેત્રોમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો આ વિડિયો કોન્ફરન્સમાં પૂરી પાડી હતી.
મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં કહ્યું કે ભવિષ્યના પડકારોનો સામનો કરીને તેનું સોલ્યુશન આપવાનું માર્ગદર્શન આપણને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપને પરિણામે મળતું થયું છે.
તેમણે કેચ ધ રેઈન અભિયાન અને જળસંચય માટેની જે રાષ્ટ્રવ્યાપી મુહિમ ચલાવી છે તેનો વધુને વધુ લાભ ગુજરાતને મળે તેના પર આપણું ફોકસ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટરો પોતાના જિલ્લાઓમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો ભવિષ્યનો વિચાર કરીને બનાવે તેની પ્રેરણા આપતા કહ્યું કે, આ બધા એવા લોકહિત કામો છે જેનાથી ફરજ નિભાવવાના કાર્ય સંતોષ સાથે આત્મસંતોષ પણ મળે છે
રાજ્યના જિલ્લાઓમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાનના કામોની હેલ્ધી કોમ્પિટિશન થાય અને જે જિલ્લાઓમાં જળસંચયની કામગીરી ઓછી થઈ છે તેને પણ વધુ કામો કરવાનું બળ મળે તેવા વાતાવરણની મુખ્યમંત્રીશ્રીએ હિમાયત કરી હતી.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચય-જળ સંગ્રહના કામો માટે ફાળવેલી છે તેનો પણ ઉપયોગ જિલ્લાઓમાં જળસંચયના કામો માટે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.





