Payal Sakaria AAP: સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભયાનક આગના મુદ્દે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. પાયલ સાકરિયા સાથે વિપક્ષ દંડક રચનાબેન હીરપરા અને બીજા કોર્પોરેટરોએ ખજોદ ડમ્પિંગ સાઇટની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે, આજે સવારથી ખજોદ ડમ્પિંગ સાઇટ પર આગ લાગેલી છે અને અનેક કલાકો વીતી જવા છતાં આગ હજી કાબૂમાં આવી નથી. માહિતી મળતાની સાથે જ વિપક્ષ આમ આદમી પાર્ટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્રણ કલાકથી વધુ સમય પસાર થવા છતાં પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી કે ડમ્પિંગ સાઇટના જવાબદાર અધિકારીઓ હાજર ન હોતા, જે મનપાની ગંભીર બેદરકારી દર્શાવે છે. પાયલ સાકરીયાએ જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી વિપક્ષ દ્વારા કચરાના ઢગલા અંગે ચેતવણી આપવામાં આવી રહી હતી અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખજોદ ડમ્પિંગ સાઇટ પર છેલ્લા સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી કચરો જમા થતો આવ્યો છે, જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ થવો જરૂરી હતો.

પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા 14 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં તેનાથી પણ અનેકગણો વધુ કચરો સાઇટ પર પડેલો છે. ત્રણ વર્ષ પહેલાંની મુલાકાત દરમિયાન જે કચરાના ઢગલા હતા, તે આજે પણ ત્યાં જ છે. આ સમગ્ર પ્રક્રિયામાં સુરતના ભાજપી શાસકો દ્વારા રાજ્ય સરકાર અને દેશની એજન્સીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે આ કોન્ટ્રાક્ટને અત્યાર સુધી કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી, માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે. 300 કરોડ રૂપિયાનું બિલ ચૂકવાઈ ગયું હોવા છતાં વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ થયો નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો કામ થયું જ નથી, તો 300 કરોડનું ચૂકવણું કેવી રીતે થયું? ખજોદ ડમ્પિંગ સાઇટ સાથે જોડાયેલા મોટા ભાગના કોન્ટ્રાક્ટર ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. જ્યારે આ મુદ્દે સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે પ્રયત્ન કર્યો તો ભાજપના મેયર દ્વારા મને સસ્પેન્ડ કરવામાં આવી હતી.

આગના કારણે સમગ્ર વિસ્તારમાં ઘનઘોર ધુમાડો છવાઈ ગયો છે, પ્લાસ્ટિક સળગવાના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે અને આસપાસના વિસ્તારોમાં જનસ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો થયો છે. હાલ એવી સ્થિતિ છે કે કોઈ વ્યક્તિ માટે સાઇટની અંદર પ્રવેશ કરવો પણ અશક્ય બની ગયો છે. તો આ આગ લાગી કઇ રીતે ? આ મામલે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે કચરા નિકાલના કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કાર્યવાહી કરી બ્લેકલિસ્ટ કરવામાં આવે, આ સમગ્ર કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થાય અને એક સ્વતંત્ર તપાસ સમિતિ રચી સમગ્ર કચરા કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે.