Praveen Ram News: ન્યાય આપનારી, સંકટ હરનારી અને અહંકારીઓને પાઠ ભણાવનારી માં ખોડલની જીવંત અનુભૂતિ કરાવતી અલૌકિક જગ્યા કે જે સમગ્ર લેઉવા પાટીદાર સમાજની એકતાનું પ્રતીક છે એવા ખોડલધામ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા તથા ખેડૂત નેતા પ્રવીણ રામે માં ખોડલના ચરણોમાં શિશ ઝુકાવી જગતજનની માં પાસે ખેડૂતો વિરુદ્ધ થતા અત્યાચાર સામે લડવાની શક્તિ માંગી.

માતાજીના દર્શન કર્યા બાદ એક વીડિયોના માધ્યમથી આમ આદમી પાર્ટીના ફ્રંટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોની લાંબી લડાઈ લડીને આજે 108 દિવસ બાદ અમે જેલમાંથી બહાર આવ્યા છીએ. આજે અમારો જેલવાસ પૂરો થયો, ત્યારે હવે કાગવડ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને અમે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોમાં માં ખોડલ અમને ગુજરાતના ખેડૂતો માટે લડવાની વધુ તાકાત આપે, ગુજરાતના ખેડૂતો વધુ સમૃદ્ધ બને અને આવનારા દિવસોમાં ખેડૂતોને ન્યાય મળે એ માટે અમે પૂરી તાકાત સાથે લડાઈ લડી શકીએ. અમને મા ખોડલ પર વિશ્વાસ છે કે આવનાર દિવસોમાં માતાજીના આશીર્વાદથી ગુજરાતના ખેડૂતોનું ભલું થશે.