Isudan Gadhvi News: આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન ઈસુદાનભાઈ ગઢવી સાથે સાથે અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કર્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ તમામ ગુજરાતીવાસીઓને અને દેશવાસીઓને પ્રજાસત્તાક દિન નિમિત્તે શુભકામનાઓ આપીને પોતાનો સંદેશ આપતા કહ્યું હતું કે, હું તમામ ગુજરાતવાસીઓને અને દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને ત્યારથી તમામ ધર્મ, જાતિ અને વર્ગના લોકોને સમાન અધિકાર મળ્યા હતા. તમામ અમીર અને ગરીબોને એક કાનૂન અંતર્ગત લાવવામાં આવ્યા.

વધુમાં પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે, આપણા દેશનું આ બંધારણ બાબાસાહેબ આંબેડકર અને તેમની ટીમે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની સખત મહેનત અને 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને બનાવ્યું હતું. હું તમામ જનતાને અપીલ કરું છું કે તમામ લોકોએ 26મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટ જે આપણા રાષ્ટ્રીય તહેવારો છે, તેને ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવા જોઈએ. જેનાથી આ તહેવારો વિશેની જાગૃતિ લોકો સુધી પહોંચે. પહેલા રાજાશાહી હતી અને આપણા પર નિયમો થોપવામાં આવતા હતા, પરંતુ બંધારણ આવ્યા બાદ આપણે જે લોકોને પસંદ કરીએ છીએ એ લોકો સત્તામાં આવે છે, આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી. મતદાન મુદ્દે પણ જાગૃતિ કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે. જેનાથી સારા લોકો અને સારી સરકારો ચૂંટાય. જનતાના અધિકારો બચાવવા અને લોકશાહી બચાવવા માટે લડતા લડવૈયાઓને પ્રજા સાથ આપે તેવી અપીલ કરું છું.