Gujarat Republic Day: ગુજરાતના નવસર્જિત વાવ થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ગુજરાતનો નવો જિલ્લો દેશના 77 માં ગણતંત્ર દિવસનો સાક્ષી બન્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો ફરકાવી પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી.
વાવ-થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ. થરાદના મલુપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગૌરવભેર તિરંગો લહેરાવવામાં આવ્યો. દેશભક્તિના માહોલ વચ્ચે વિવિધ કેડરોની આકર્ષક પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ગ્રાઉન્ડ પર તમામ તૈયારીઓ સજ્જ કરાઈ છે. રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન વિધિ પૂર્ણ થયા બાદ પરેડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ઉજવણીને પગલે રાજ્યકક્ષાના આ પર્વમાં મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં છે.
કમલમમાં ઉજવણી
પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે ધ્વજવંદન કર્યું. આ પ્રસંગે તેઓએ કહ્યું કે, ‘ભારત દેશ એ વિકસિત ભારતની દિશામાં જોડાયા છે. દેશની આઝાદી માટે ન્યોછાવર કરનાર અને આઝાદ ભારતનું સપનું જોયું હતું. ભારત દેશના લોકો વિકસિત ભારતની દિશામાં જોડાયા. પીએમ મોદીએ ગુજરાતમાં વિકાસની કેડી કંડારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિષ્ઠાપૂર્વક વિકાસની દિશામાં આગળ વધારી રહ્યા છે. તમામ ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે. રક્ષા ક્ષેત્રે દેશે આત્મનિર્ભર થયો છે. લાલ ચોક પર ત્રિરંગો લહેરાઈ રહ્યો છે, કલમ ૩૭૦ દૂર થઈ છે.’ આ પ્રસંગે પ્રદેશ ભાજપ ના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.
પીએમ મોદીએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસનો સંદેશો પાઠવતા કહ્યું કે, સમસ્ત દેશવાસીઓને રાષ્ટ્રીય મહાપર્વ ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતની આણ, બાણ અને શાનના પ્રતીક સમાન આ દિવસને રાષ્ટ્રભરમાં અત્યંત ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. આ પાવન પર્વ દરેક નાગરિકના જીવનમાં નવી ઉર્જા અને નવા ઉમંગનો સંચાર કરે તેવી મંગલ કામના કરવામાં આવી છે. આજના ઐતિહાસિક દિવસે લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવી રાષ્ટ્રની અખંડિતતાના શપથ લેવામાં આવ્યા છે. દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે ‘વિકસિત ભારત’નો સંકલ્પ વધુ સુદ્રઢ બને તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો છે. શહીદોના બલિદાનને યાદ કરી તિરંગાના સન્માનમાં વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન થયું છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતના ભાવ સાથે સમગ્ર દેશ આજે ગણતંત્રના રંગે રંગાઈને એકતાનો સંદેશ આપી રહ્યો છે.





