Chaitar Vasava News: આજે કદવાલ-વડોદ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasava, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મીડિયા સાથે વાત કરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કદવાલ ગામે યોજાયેલ આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં છોટાઉદેપુર જિલ્લાનાં તમામ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કદવાલએ નવ નિર્મિત તાલુકો છે, 2 ઓક્ટોબરના રોજ એમને નવા તાલુકા તરીકે જાહેરાત કરી દેવામાં આવ્યો છે. ચાર મહિના થયા છતાં ત્યાંની હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી, ત્યાં સાધનો નથી, તાલુકા પંચાયત જાહેર કરવામાં આવી છે ત્યાં પૂરતો સ્ટાફ નથી, મામલતદાર કચેરીઓમાં કોઈ કામ કરતા નથી, એ જ પ્રમાણે સિંચાઈ કચેરી હોય, માર્ગ મકાન કચેરી હોય, મનરેગા કચેરી હોય, કોઈ હાજર રહેતું નથી અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે આજે અમને રજૂઆતો મળી છે, એ જ પ્રમાણે વન અધિકારના નિયમ 2006 અંતર્ગત વર્ષોથી દાવો કરેલ છે છતાં પેન્ડિંગ છે, આજે ભિકાપુરથી ઉપરના જે પણ ગામડા આવેલા છે, 35થી 40 ગામોમાં આજે બસની સુવિધાઓ નથી, કે ઘણા ગામોમાં જવા માટેના રસ્તાની પણ સુવિધાઓ નથી, ત્યારે એક બાજુ સરકારની આઝાદીનો અમૃત મહોત્સવ, ગૌરવ યાત્રા, વિકાસ સપ્તાહની ઉજવણી થાય છે, છતાં આ વિસ્તારમાં એ પ્રમાણે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ નથી થયો, ત્યારે લોકોમાં ખૂબ આક્રોશ છે, મનરેગામાં રોજગારી નથી, નલ સે જલમાં પાણી નથી, તમામ મુદ્દે આજે લોકોએ અમને રજૂઆત કરી છે. આ તમામ રજૂઆતો આવનાર વિધાનસભા બજેટમાં અમે સરકાર સમક્ષ મૂકીશુ. જો સરકાર કદવાલ, છોટા ઉદેપુરના લોકોના આ સમસ્યાનું નિરાકરણ નહીં તો તમામ લોકોને અમે ગાંધીનગર વિધાનસભા બજેટ સત્ર વખતે આહ્વાન કરીશું અને ફરજ પડશે તો અમે વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું.

AAP ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી સંવિધાનના આર્ટીકલ 335 અંતર્ગત આદિવાસી ઉમેદવારોને 15 ટકા અનામત મળ્યું છે. 100 ટકામાંથી 15 ટકા આદિવાસીથી જ ભરવાની હોય છે. ત્યારે તા.18/05/2023 ના રોજ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં અનામત બેઠકો માટે પણ લઘુત્તમ 40% માર્ક્સ ફરજિયાત રાખવામાં આવ્યા છે. આ નિર્ણયના કારણે 100% ST અનામતની ઘણી બેઠકો ખાલી રહી જાય છે અને બાદમાં તે બેઠકો અન્ય જાતિના ઉમેદવારોથી ભરવામાં આવે છે, જેથી ST સમાજના લોકોને ઘણો અન્યાય થાય છે. આ બાબતે રાજ્ય સરકારને અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે ફરી એકવાર સરકારને સ્પષ્ટ અલ્ટિમેટમ આપવામાં આવ્યુ છે કે જો આગામી 15 દિવસમાં 40% કટ-ઓફ માર્ક્સનો આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો ST સમાજના તમામ ઉમેદવારોને ગાંધીનગર બોલાવીને વિધાનસભાનો ઘેરાવો કરીશુ. પૂર્વ વનમંત્રી પર કરેલા આક્ષેપને લઇને ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પૂર્વ વનમંત્રી તથા આદિજાતિ વિકાસ મંત્રી ગુજરાત પેટર્નની દસ ટકાની ગ્રાન્ટ તેમજ ટ્રાઈબલ સબ-પ્લાન હેઠળ 14 જિલ્લાઓ માટે ફાળવાયેલ ગ્રાન્ટમાં બારડોલી, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદની કેટલીક એજન્સીઓને કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના, બિનજરૂરી અને અનિયમિત કામો ફાળવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે આવનારા વિધાનસભા સત્ર દરમિયાન પુરાવા સાથે વિગતવાર રજૂઆત કરવામાં આવશે. જો સરકાર દ્વારાપૂર્વ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આવનારા દિવસોમાં જનતાની વચ્ચે જઇને જાગૃત કરવામાં આવશે અને લોકશાહી રીતથી, લોકતંત્રના મંચ પરથી જનતા પોતાનો જવાબ આપશે.