CM Bhupendra Patel News: 77 મા પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવ રચિત વાવ થરાદ જિલ્લામાં થઈ રહી છે . આ ઉજવણી અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે   આ જિલ્લાના દુધવા ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા ૯૯.૨૩ એકર સરકારી જમીનના માં નિર્માણ થનારી ઔદ્યોગિક વસાહત નું ભૂમિપૂજન ગૌરવસભર અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે GIDCના નિર્માણ થયેથી નવા જિલ્લાના વિકાસ ને વેગ મળવાની સાથે વોકલ ફોર લોકલ નો વડાપ્રધાનશ્રીનો ધ્યેય પાર પડશે. એટલું જ નહીં આ સરહદી જિલ્લામાં યુવાનોને વધુ રોજગારી મળે તે દિશાનું આ આગવું કદમ છે.

CM Bhupendra Patelએ કહ્યું કે,વિકાસ સાચા અર્થમાં જમીન પર સાકાર થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સતત માર્ગ દર્શન મળતું રહે છે. રોડ રસ્તા, પીવાના પાણી, આરોગ્ય સહિત દરેક ક્ષેત્રમાં વડાપ્રધાનએ સમગ્ર દેશના નાગરિકોની સુખાકારીની ચિંતા કરી છે અને છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને વિકાસ લક્ષી આયોજનો પાર પાડ્યા છે.

નવો રચાયેલો વાવ–થરાદ જિલ્લાનો વિકાસ પણ અન્ય વિકસિત જિલ્લાઓ સમકક્ષ ઝડપ ભેર થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ખેતી માટે તલાવડી, ડ્રિપ ઈરિગેશન જેવી આધુનિક પદ્ધતિઓનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળે છે તે આનંદની બાબત છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દૃષ્ટિવંત નેતા છે, કારણ કે આજે પાણી ઉપલબ્ધ છે તો આવતીકાલે પણ પાણી રહે તે માટે તેઓએ આગોતરી યોજના બનાવી છે. ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત વધારાના વરસાદી પાણીના સંગ્રહ માટે સમગ્ર દેશમાં આયોજનબદ્ધ મુહિમ હાથ ધરવામાં આવી છે, જે ભવિષ્યની પેઢી માટે આંગળી ચિંધ્યા સમાન પુણ્યકાર્ય છે.

તેમણે ઉમેર્યું હતું કે ખેતી ઉપરાંત ઉત્પાદનના મૂલ્યવર્ધન અંગે પણ વિચાર કરવામાં આવ્યો છે,વેલ્યુએડિશન માટે નાના મોટા ઉદ્યોગો સ્થપાઈ શકે અને વોકલ ફોર લોકલ લોકલ થી ગ્લોબલ ચરિતાર્થ થાય તે માટે આવનારા દિવસોમાં આ જી આઈ ડી સી એસ્ટેટ મહત્વપૂર્ણ બનશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી, જેના પરિણામે આજે MSME 01 લાખ 68 હજારથી વધીને 27 લાખથી વધુ થઈ છે. આ મજબૂત પાયાના કારણે દેશ સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને આજે આપણે સૌ વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધીએ છીએ.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ સરહદી વિસ્તારના વિકાસ માટે આર્થિક પ્રગતિના નવીન દરવાજા ખોલી દીધો છે.તેમણે ઉમેર્યુ હતું કે,આ વિસ્તારનો ખેડૂત મહેનતુ છે. દાડમ હોય કે અન્ય પાક, અહીંનું ઉત્પાદન અત્યાર સુધી પ્રોસેસિંગ માટે રાજકોટ, અમદાવાદ કે અન્ય રાજ્યો સુધી જતું હતું. પરંતુ હવે દુધવા ખાતે GIDC બનવાથી ખેતીના પાકનું ‘વેલ્યુ એડિશન’ અહીં જ થશે, જેનાથી ખેડૂતોની આવક બમણી થશે અને સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે.

અધ્યક્ષએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીએ માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં GIDCની મંજૂરી આપી આજે ભૂમિપૂજન પણ સંપન્ન કર્યું છે. સાથે સાથે  પ્રથમ તબક્કા માટે ૧૫ થી ૧૬ કરોડના રસ્તા અને પાયાની સુવિધાઓના કામો પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે.

શંકરભાઈ ચૌધરીએ ભાવુક સ્વરે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ આ સરહદી વિસ્તારને નવા જિલ્લાની ભેટ આપીને વહીવટી સરળતા ઊભી કરી છે. એટલું જ નહીં, આ વર્ષે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અને ધ્વજવંદનનો કાર્યક્રમ પણ અહીં યોજીને વિકાસ ને વેગ આપ્યો છે,

ભૂતકાળના પૂરના સમયને યાદ કરતા અધ્યક્ષશ્રીએ ઉમેર્યું કે, જ્યારે આ વિસ્તાર મુશ્કેલીમાં હતો ત્યારે મુખ્યમંત્રીએ પોતે રૂબરૂ આવીને લોકોની પીડા વહેંચી હતી અને ઉદારતાપૂર્વક સહાય કરી હતી. ખેતીના પાકને થયેલા નુકસાનમાં પણ સરકારે હંમેશા સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે.

આ અવસરે ખાદી અને કુટિર ગ્રામ ઉદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા પ્રભારી સચિવ નાગરાજન, જી.આઈ. ડી .સી ના એમ
ડી સુ પ્રવીણા ડી. કે., એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત જોષી ,જિલ્લા કલેકટર જે. એસ. પ્રજાપતિ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.