Weather Update: ગુજરાતમાં તીવ્ર ઠંડી વચ્ચે, ખેડૂતો અને સામાન્ય લોકો માટે ચિંતાજનક સમાચાર છે. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે (23 જાન્યુઆરી) રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
કયા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે?
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. કચ્છ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છુટાછવાયા વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે.
ચક્રવાત માવઠાની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.
કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હળવા કમોસમી વરસાદની આગાહીમાં કૃષિ અધિકારી કચેરીએ ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતીનાં પગલાં લેવાની અપીલ કરી છે. કમોસમી વરસાદથી ઉભા અને કાપેલા પાકને નુકસાન થવાનું જોખમ રહેલું છે. તેથી, જે ખેડૂતોએ પોતાના પાકની કાપણી કરી છે અને ખેતરમાં ખુલ્લા મુક્યા છે, તેમણે તાત્કાલિક પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવો જોઈએ. જો પાકનું પરિવહન શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી ચુસ્તપણે ઢાંકી દેવા જોઈએ. વધુમાં, વાદળછાયા અને વરસાદી વાતાવરણમાં જંતુનાશક દવાનો છંટકાવ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ.
ખેતીના ઉત્પાદનો ઉપરાંત, ખેડૂતોને વાવણી માટે સંગ્રહિત બીજ અને ખાતરનો સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવાની સૂચના આપવામાં આવી છે. APMCમાં માલ લાવતા ખેડૂતો અને વેપારીઓને પણ સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. આમાં બજાર સમિતિના શેડ હેઠળ કૃષિ પેદાશોનો સંગ્રહ કરવો અથવા તાડપત્રીથી ઢાંકવાનો સમાવેશ થાય છે.





