Trump: દાવોસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં સમય લાગશે. તેમણે તેને એક જટિલ પ્રક્રિયા ગણાવી અને કહ્યું કે અમેરિકા રશિયા સાથે પણ વાટાઘાટો કરશે. ટ્રમ્પે કહ્યું કે જીવ બચાવવા એ અમારી પ્રાથમિકતા છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં સમય લાગશે અને હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે. તેમણે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત બાદ આ નિવેદન આપ્યું. ટ્રમ્પે આ બેઠકને સારી ગણાવી, પરંતુ સ્પષ્ટતા કરી કે યુદ્ધનો તાત્કાલિક અંત અપેક્ષિત નથી.

દાવોસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “યુદ્ધનો અંત આવવો જોઈએ… ઘણા બધા લોકો માર્યા જઈ રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે તે જલ્દી સમાપ્ત થાય.” તેમણે ઉમેર્યું કે વિશ્વનો દરેક દેશ ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવે. જોકે, તેમણે ઝેલેન્સ્કી સાથેની તેમની બંધ બારણે થયેલી મુલાકાત વિશે વધુ વિગતો આપી નથી.

ટ્રમ્પ અને ઝેલેન્સકીએ દાવોસમાં એક કલાકની બેઠક યોજી હતી. ટ્રમ્પ અને ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે શાંતિ બોર્ડ પર ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા ચાલુ છે અને આગળ શું થશે તે સમય જ કહેશે. ટ્રમ્પે બુધવારે દાવોસમાં ગાઝા શાંતિ બોર્ડનું લોન્ચિંગ કર્યું હતું. 20 દેશોના પ્રતિનિધિઓ હાજર હતા. ટ્રમ્પે 80 દેશોને આમંત્રણ આપ્યું હતું.