Isudan Gadhvi News: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ તથા લીગલ સેલના પ્રમુખ પ્રણવ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા દરમિયાન BLA-1, BLA-2 અને BLO દ્વારા ઘરેઘરે જઈને કરવામાં આવેલી ચકાસણી બાદ લગભગ 73,73,000 મતદારોના નામ ઘટાડવાની પ્રક્રિયા સિવાય બધી કામગીરી યોગ્ય રીતે પૂર્ણ થઈ હતી. પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા એક મોટું શડયંત્ર રચવામાં આવ્યું છે.

છેલ્લા બે-ત્રણ દિવસમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આશરે 9,59,000થી વધુ અરજીઓ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે દાખલ કરવામાં આવી છે, જે અત્યંત શંકાસ્પદ છે. અનેક વિસ્તારો જેમ કે ખંભાળિયા વિધાનસભા, બાપુનગર, રાજકોટ, કચ્છ અને અન્ય સ્થળોએ હજારો અરજીઓ એકસાથે દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. જામખંભાળિયામાં 15 હજાર જેટલી અરજી નામ રદ કરવામાં માટે આપી, બધી વિધાનસભામાંથી 10 હજાર મત રદ કરવાનું ષડયંત્ર રચ્યું. ઇસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ઘણી અરજીઓ એવા લોકોના નામે કરવામાં આવી છે જેમને પોતાની સામે અરજી કરવામાં આવી હોવાની જાણ પણ નથી. ખાસ કરીને ભાજપના વિરોધમાં મતદાન કરનારા, વિપક્ષને સમર્થન આપનારા તથા સામાજિક રીતે અવાજ ઉઠાવનારા નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ઓડિયો પુરાવા સાથે SIR પ્રક્રિયામાં થતા ગોટાળા ઉજાગર કર્યા અને દિપાલી બેન દ્વારા કોઈ અરજી કરવામાં આવી ન હોવાનો કોલ રેકોર્ડ પણ વાયરલ કર્યો.

આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી મુખ્ય માંગણીઓ કરી છે. 1.નામ ઘટાડવા માટે આવેલી તમામ અરજીઓની વિપક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં પુનઃચકાસણી કરવામાં આવે. 2. ખોટી અરજી કરનારાઓ તથા ખોટા દસ્તાવેજો રજૂ કરનારાઓ સામે ગુનાહિત કાર્યવાહી અને પોલીસ ફરિયાદ કરવામાં આવે. ૩. જેમના નામ કમી કરવાની અરજી કરવામાં આવી છે, તે તમામ મતદારોને ઓછામાં ઓછો 10 દિવસનો સમય આપી નોટિસ પાઠવવામાં આવે. 4. BLO દ્વારા પહેલેથી જ કરવામાં આવેલી ચકાસણીને અવગણીને રાજકીય દબાણ હેઠળ નામ ઘટાડવાની કાર્યવાહી તરત સ્થગિત કરવામાં આવે. ઇસુદાન ગઢવીએ ચેતવણી આપતા જણાવ્યું કે, જો કોઈપણ અધિકારી રાજકીય દબાણ હેઠળ ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં ફેરફાર કરશે તો આમ આદમી પાર્ટી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરશે અને જરૂર પડ્યે મામલો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે. ગુજરાતની જનતાને અપીલ કરુ છું કે દરેક મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તરત ચકાસી લે અને કોઈ ગેરરીતિ જણાય તો તરત ફરિયાદ નોંધાવે.