Yatrik Patel AAP News: આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ CYSS અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલે સીટીએમ ચાર રસ્તાની અત્યંત ખરાબ હાલત મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, જો કોઈને સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા પર આવી જાય. ભાજપના શાસનમાં વર્ષો પછી એવી ‘ટેકનોલોજી’ વિકસાવવામાં આવી છે કે રસ્તાઓ પરથી સીધા પાતાળમાં ઉતરી શકાય.
યાત્રિક પટેલે વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે, આપણા વિશ્વગુરુ તરીકે ઓળખાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હિમાલય તપસ્યા માટે આવા જ રસ્તેથી ગયા હશે. પરંતુ આ વિકાસના દાવાઓની હકીકત એ છે કે શહેરના મુખ્ય રસ્તાઓ પર ખાડા, ભુવા અને તૂટી ગયેલા છે, જેના કારણે રોજબરોજના વાહનચાલકો અને સામાન્ય નાગરિકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે. જ્યારે ગરીબ લોકોની વાત આવે છે ત્યારે ‘દાદાનું બુલડોઝર’ તરત જ તેમના ઘર સુધી પહોંચી જાય છે. ગરીબોને હેરાન-પરેશાન કરવામાં સરકાર અને તંત્ર કોઈ સંકોચ રાખતું નથી. પરંતુ જ્યારે ભ્રષ્ટ અને બેદરકાર અધિકારીઓની વાત આવે છે, જેમની બેદરકારીના કારણે રસ્તાઓ તૂટી જાય છે, ખાડા પડે છે અને અકસ્માતો સર્જાય છે, ત્યારે તેમના ઘરે બુલડોઝર પહોંચતું નથી.
શું બુલડોઝર ફક્ત ગરીબો માટે જ છે? ભ્રષ્ટ અધિકારીઓ અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની હિંમત સરકાર કેમ નથી બતાવતી? સીટીએમ ચાર રસ્તા પર પડેલા ખાડાઓ મામલે સરકાર જવાબ આપે તેવી અમારી માંગ છે.





