Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમની વિશેષ ઉપસ્થિતમાં સાણંદનાં લોદરિયાલ ગામે બુથ કાર્યકર્તા સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ખેડૂત નેતા સાગર રબારી, રાજુભાઈ સોલંકી, યુવા મોરચા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી, ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લી ઘડીએ સાણંદનાં લોદરિયાલ ગામે આયોજન નક્કી થયુ હોવા છતાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal બુથ કાર્યકર્તા બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ કોઈ જાહેર સભા નહીં પરંતુ બૂથ, તાલુકા અને જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓની સંગઠનાત્મક બેઠક છે. તેમ છતાં, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી એ સાબિત કરે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે જનસમર્થન સતત વધતું જઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ” કહેવત મુજબ આજે ભાજપ સરકાર ગુજરાતમાં પોતાનો અંત નજીક જોઈને હડબડાઈ ગઈ છે. છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર હવે વિદાયના સમયમાં છે અને આ કારણસર આમ આદમી પાર્ટીની બેઠકો રોકવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે અમદાવાદના નિકોલ ખાતે યોજાનારી કાર્યકર્તા બેઠકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગઈકાલે રાત્રે સ્ટેજ તોડી નાખવામાં આવ્યું, ખુરશીઓ ફેંકી દેવામાં આવી અને પરવાનગી રદ કરવામાં આવી. ભાજપને લાગ્યું હતું કે બેઠક યોજાશે નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડર્યા નહીં અને તમામ અડચણો છતાં બેઠક સફળતાપૂર્વક યોજાઈ. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાફેંકની ઘટના પાછળ પણ ભાજપની સાજિશ બહાર આવી છે. જૂતાફેંક કરનાર વ્યક્તિએ પોતે વિડિયો જાહેર કરીને સ્વીકાર્યું કે ભાજપના એક નેતાએ તેને 50 હજાર રૂપિયા અને દારૂ આપીને આ કામ કરાવ્યું હતું, જેના કારણે ભાજપની પોલ ખુલી ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા ત્રણ મહિનાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને ખોટા કેસોમાં જેલમાં નાખવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અનેક નેતાઓ આજે પણ જેલમાં છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય હતું અને ખેડૂત સુખી હતા, પરંતુ છેલ્લા 30 વર્ષમાં ભાજપે ગુજરાતને ખોખલું બનાવી દીધું છે. આજે ખેડૂત, યુવાન, મહિલા, વેપારી અને ઉદ્યોગપતિ સૌ દુઃખી છે. ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળતો નથી, શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા બગડી ગઈ છે અને યુવાનોને રોજગારના બદલે નશાની દિશામાં ધકેલવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે જો ભાજપે 30 વર્ષમાં ગુજરાતને ખરેખર સુખી બનાવી દીધું હોત, તો આજે આમ આદમી પાર્ટી માટે એટલી મોટી સંખ્યામાં લોકો કેમ એકત્રિત થયા હોત? 2027ની ચૂંટણીમાં જનતા જવાબ આપશે. તેમણે કહ્યું કે જેમ દિલ્હીમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી, તેમ ગુજરાતમાં પણ સત્તા પરિવર્તન નિશ્ચિત છે. અરવિંદ કેજરીવાલે અંતમાં જણાવ્યું કે આ લડાઈ ધર્મયુદ્ધ જેવી છે, જ્યાં એક તરફ સત્તા, પૈસા અને એજન્સીઓ છે અને બીજી તરફ સત્ય અને જનતાની શક્તિ છે. તેમણે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની ધરતી ગુજરાતમાંથી ગુંડારાજ ખતમ કરવા માટે સંકલ્પ લઈને આગળ વધો, કારણ કે સત્યની જીત નિશ્ચિત છે.





