CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં પહેલી વાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓના સ્વ સહાય જુથ – સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિનો અભિગમ અપનાવેલો છે.
મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.
નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન તથા નેશન અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વ સહાય જુથ જેમાં આજીવિકાના સમાન હેતુ થી જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે.
મુખ્યમંત્રીએ એક અન્ય નિર્ણય એવો પણ કર્યો છે કે, રાજ્યમાં મ્યુનિસીપલ એરીયાની હદમાં આવતા હોય તેવા ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીચીંગ, એમ્બ્રોઈડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટીંગ ટેક્ષટાઈલ મેન્યુફેક્ચરીંગ એક્ટિવિટીવાળા એકમોને પણ આ ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪નો લાભ અપાશે.
રાજ્યની અર્થવ્યવસ્થા અને દેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા કાપડ ઉદ્યોગની ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનના દરેક સેગમેન્ટનું એનાલીસીઝ કરીને ગારમેન્ટ અને એપેરલ તથા ટેક્નિકલ ટેક્સટાઈલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.
આના ભાગરૂપે ટેક્ષટાઇલની નોન પોલ્યુટીંગ પ્રવૃતિ ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીંચીંગ, એમ્બ્રોડરી તથા અન્ય વેલ્યુએડેડ એક્ટિવિટિ ધરાવતા એકમો કે જે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(GPCB)ની પ્રર્વતમાન White Category તથા Green Category અથવા તેને સમકક્ષ GPCBના પ્રવર્તમાન જોગવાઈ / કેટેગરી ક્લાસીફીકેશન હેઠળ સમાવેશ થતા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં સ્થાપિત એકમોને પણ ગુજરાત ટેક્ષટાઈલ પોલીસી ૨૦૨૪ અંતર્ગત સહાય પાત્ર ગણવામાં આવશે.
મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના આ નિર્ણયથી રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં આવેલા નોન પોલ્યુટીગ ટેક્ષટાઈલ એકમોને યોજનાનો બહોળો લાભ મળશે. એટલું જ નહિ,શહેરી વિસ્તારમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે તથા કુશળ/અર્ધકુશળ કામદારો માટે સ્થાનિક સ્તરે રોજગારની તકો વધશે.નોન-પોલ્યુટીંગ ટેક્ષટાઈલ પ્રવૃત્તિઓને શહેરી વિસ્તારમાં માન્યતા મળવાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણ મળશે.
આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઉપલબ્ધ આંતર માળખાકીય સુવિધાઓનો અસરકારક ઉપયોગ થશે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન મળશે.
ગારમેન્ટ, એપેરલ, સ્ટીચિંગ તથા એમ્બ્રોડરી જેવી લેબર-ઇન્ટેન્સિવ અને નોન-પોલ્યુટીંગ ટેક્ષટાઈલ પ્રવૃત્તિઓ શહેરી વિસ્તારમાં સ્થિત થવાથી મહિલા કર્મચારીઓને સ્થાનિક સ્તરે રોજગારીની વધુ તક ઉપલબ્ધ થશે, જેના પરિણામે તેમની સામાજિક-આર્થિક સ્થિરતા વધશે તેમજ કાર્ય-જીવન સંતુલન જાળવવામાં સહાય મળશે.
આ ઉપરાંત નોન-પોલ્યુટીંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાથી પર્યાવરણ સુરક્ષા તથા સંતુલીત અને ટકાઉ ઔદ્યોગિક nવિકાસના ઉદ્દેશો પાર પાડી શકાશે.
ગુજરાત ટેક્ષટાઇલ પોલીસી – ૨૦૨૪ અંતર્ગત સ્વસહાય જૂથ(સેલ્ફ હેલ્પ ગ્રુપ – SHG) ને મળવાપાત્ર લાભો ઉપરાંત મુખ્યમંત્રીના આ નિર્ણય ને પરિણામે રાજ્યની મહિલાઓ વધુ આર્થિક સશક્ત અને સ્વનિર્ભર બની શકશે.
આ પ્રકારના પગલાં તેમને વધુ અવસર અને સશક્તતા પ્રદાન કરશે, જેથી તેઓ સમાજ, અર્થવ્યવસ્થા અને વ્યવસાય ક્ષેત્રે વધુ મજબૂત બની શકે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં કરવામાં આવેલા આ સુધારાઓથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઈલ સેક્ટર પણ પૂરક બનશે અને વિકસિત ભારત ૨૦૪૭માં ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકશે.





