Rajinikanth Vaghani AAP: આજે મકરસક્રાંતિના દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ રેલ્વેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ કે.પી.પાનસુરીયા, વોર્ડ નં. 2 ના સહ પ્રભારી અશોકભાઈ બલર, વોર્ડ નં. 1ના પ્રભારી પ્રફુલ રાસડિયાના ધ્યાનમાં આવ્યું કે સુરતના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક મનીષા ગરનાળા પાસે ગુડ્સ ટ્રેનની બોગીમાંથી બારોબાર સરકારી અનાજ ચોરી કરવાની ઘટના ઘટી રહી છે. જે બાબતે તેમણે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીનો સંપર્ક કરતા તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં સ્થળ પર જઈને જોતા માલુમ પડ્યું કે, ગુડ્સ ટ્રેનના લગભગ દરેક ડબ્બા પર વ્યવસ્થિત સીલ મારેલું છે અને પુરવઠા વિભાગનો સિક્કો પણ છે. પણ જે ડબ્બામાંથી ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું ત્યાં સીલ પણ સુતળીની દોરીથી મારેલું હતું, મતલબ કે સુનિયોજિત રીતે એ સીલ આસાનીથી તોડી શકાય અને ચોરીની ઘટનાને અંજામ આપી શકાય તે રીતનું હતું. ડબ્બાની બાજુમાં નીચેની જગ્યાએ ખોદેલા ખાડામાં આશરે 15 થી 20 અનાજની બોરીઓ નાખેલી અને બિનવારસી હાલતમાં પડેલી હતી. નિયત કરેલી ફિક્સ જગ્યા પર જ ટ્રેન રોકવામાં આવતી અને ડબ્બામાંથી ચોખા અને અનાજની બોરીઓ નીચે ખાડામાં ફેંકવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું, જેને સુનિયોજિત અનાજ ચોરીનું કાવતરું કહી શકાય.
આ બાબતે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ Rajinikanth Vaghaniએ જણાવ્યું હતું કે, ગરીબોના મુખનું અનાજ લૂંટવાની એક ગંભીર ઘટના મનીષા ગરનાળુ પાસે આવેલા રેલવે ટ્રેક નજીક પ્રકાશમાં આવી છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રેલવે ટ્રેક પાસે આશરે 15 થી 20 બોરા જેટલું અનાજ ગેરકાયદેસર રીતે ઉતારવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનામાં મોટા માફિયાઓની સંડોવણી હોવાની શક્યતા દેખાઈ રહી છે તેમજ આ પ્રકારની ગેરરીતિ ઘણા વર્ષોથી ચાલતી હોવાની શંકા છે. કે.પી. પાનસુરીયા, અશોક બલર અને પ્રફુલ રાસડિયા જેવા જાગૃત નાગરિકોની સતર્કતા કારણે આ ગરીબોના હકનું અનાજ માફિયા પાસેથી પકડી પાડવામાં આવ્યું અને તરત જ રેલવે પોલીસને જાણ કરવામાં આવી. હાલ રેલવે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટના ગરીબોના હક પર થતી ખુલ્લી લૂંટનો પુરાવો છે. સંબંધિત તંત્ર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેર માંગ ઉઠી રહી છે. મોકલનાર કોણ, ચોરી કરનાર કોણ, આવા તકલાદી સીલ મારનાર કોણ, રેલવે કે પ્રશાસનના કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં વિગેરે તપાસ થવી જોઈએ જેથી એક મોટું રેકેટ બહાર આવશે.





