Raju Borkhataria AAP: ઘેડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વર્ષોથી સામાન્ય લોકોને, ખેડૂતોને અને તેમના પાકોને ખૂબ જ નુકસાન થતું આવ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે ગયા વર્ષે 14 દિવસની ઘેડ બચાવો પદયાત્રા શરૂ કરી હતી અને એ પદયાત્રામાં અનેક ગામોના હજારો લોકો અને ખેડૂતોએ આ પદયાત્રાને સમર્થન આપ્યું હતું. અવારનવાર પ્રવીણ રામની ઘેડ બચાવો પદયાત્રામાં ભાજપના જ લોકો દ્વારા કંઈને કંઈ મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી હતી પરંતુ પ્રવીણ રામ અને ઘેડના લોકો આવી કોઈ પણ હેરાનગતિ સામે ઝૂક્યા નહીં અને સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કરી હતી અને આ યાત્રા જ્યારે ચાલુ હતી એ દરમિયાન સરકારે 1800 કરોડનું ફંડ ઘેડ વિસ્તાર માટે સૈદ્ધાંતિક રૂપે મંજૂર કર્યું હતું પરંતુ અનેક મહિનાઓ વીતી ગયા છતાં પણ ઘેડ વિસ્તારમાં સમસ્યા ઠેરની ઠેર છે. હાલ પ્રવીણરામ જેલમાં છે પરંતુ આમ આદમી પાર્ટી ઘેડ વિસ્તારના મુદ્દાને વધુ આક્રમક રીતે ઉઠાવી રહી છે અને એના અંતર્ગત આજે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ બોરખતરીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

આમ આદમી પાર્ટી(AAP)ના સૌરાષ્ટ્ર પ્રદેશ સંગઠન મંત્રી Raju Borkhatariaએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઘેડ વિસ્તારમાં પૂર જેવી ગંભીર સમસ્યાઓ અંગે સરકારના ખોખલા વચનો પર શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે ઘેડ વિસ્તારમાં દર વર્ષે પૂરથી લાખો હેક્ટર ખેતીની જમીન અને જનજીવનને ભારે નુકસાન થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકારે ત્રણ તબક્કાનો માસ્ટર પ્લાન જાહેર કર્યો હતો, જેમાં (૧) નદી-નાળા ઊંડા કરવું, (૨) સ્ટ્રક્ચરનું નિર્માણ અને (૩) જળ સંરક્ષણના ઉપાયો સામેલ હતા. પરંતુ દુઃખની વાત એ છે કે આજના દિવસ સુધી પ્રથમ તબક્કાની કામગીરી એટલે કે નદી-નાળા ઊંડા કરવાની કામગીરી પણ કાચબાની ગતિએ ચાલી રહી છે. બીજા તબક્કાનું સ્ટ્રક્ચર નિર્માણ તો હજુ દૂરની વાત છે અને ત્રીજા તબક્કા અંગે તો કોઈ ચર્ચા કે સ્પષ્ટતા જ નથી. હાલ વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીમાં અનેક ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. ઘેડ વિસ્તારમાં કામ કરવા માટે ડિસેમ્બરથી ૧૫ જૂન સુધીનો સમય સૌથી અનુકૂળ હોય છે. આ માટે ડિસેમ્બર મહિના દરમિયાન એસ્ટિમેટ ટેન્ડર અને વર્ક ઓર્ડર સુધીની તમામ પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી હતી, પરંતુ આજ સુધી આ કામગીરી ક્યાં પહોંચી છે તેની કોઈ માહિતી તંત્ર દ્વારા આપવામાં આવતી નથી.

AAP નેતા રાજુ બોરખતરીયાએ વધુમાં લખ્યુ હતું કે સરકાર આ તમામ બાબતોમાં હજુ પણ પા પા પગલાં ભરી રહી છે અને એવું લાગી રહ્યું છે કે ઘેડ વિસ્તારને ફરી એક વખત ડૂબાડવાની તૈયારી છે. જો સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ગતિશીલતા નહીં લાવવામાં આવે તો જૂન ૨૦૨૬ સુધી પણ પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થવાની શક્યતા નથી. આવી સ્થિતિમાં સ્ટ્રક્ચરનું કામ શરૂ થવું તો અશક્ય બની જશે અને માત્ર જાહેરાતોના આધારે લાખો હેક્ટર જમીન અને પ્રજાજનોને બચાવી શકાશે નહીં. મુખ્યમંત્રીને અપીલ કરી છે કે સંબંધિત વિભાગોને તાત્કાલિક સ્પષ્ટ સૂચનાઓ આપી બાકી રહેલી તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરાવવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ આ સમગ્ર મામલે કામગીરી અંગે શ્વેતપત્ર આપવા બાબતે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી, જે સરકારની ગંભીર બેદરકારી દર્શાવે છે.