Iran: અમેરિકાએ ઈરાનના વેપારી ભાગીદારો પર ૨૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જોકે, ભારત પર આની બહુ ઓછી અસર થવાની શક્યતા છે. ઈરાન વિશ્વના ભારતના ટોચના ૫૦ વેપારી ભાગીદારોમાં પણ સામેલ નથી, એમ સરકારી સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારત અને ઈરાન વચ્ચેનો કુલ વેપાર ૧.૬ અબજ ડોલરનો હતો, જે ભારતના કુલ વેપારના આશરે ૦.૧૫ ટકા છે. બાહ્ય આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, ચાલુ નાણાકીય વર્ષમાં ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર વધુ ઘટવાની ધારણા છે.

તેમણે જણાવ્યું હતું કે ૨૦૨૪માં ઈરાનની કુલ આયાત આશરે ૬૮ અબજ ડોલર હોવાનો અંદાજ છે, જેમાં તેના મુખ્ય આયાત ભાગીદારો સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) (૨૧ અબજ – ૩૦ ટકા), ચીન (૧૭ અબજ – ૨૬ ટકા), તુર્કી (૧૧ અબજ – ૧૬ ટકા) અને યુરોપિયન યુનિયન (૬ અબજ – ૯ ટકા) છે. ભારતનો હિસ્સો ફક્ત $1.2 બિલિયન (2.3%) છે.