CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી સ્ટીફન રૂએન હોફના નેતૃત્વમાં જર્મની બિઝનેસ ડેલીગેશને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ડેલિગેશન ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાતે આવેલું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જર્મન ચાન્સેલર શ્રીયુત ફ્રેડરિક મર્ઝની ઉપસ્થિતિમાં યોજાયેલા સી.ઈ.ઓ. ફોરમની સફળતા માટે આ ડેલિગેશનને અભિનંદન પાઠવવા સાથે ગુજરાતમાં આવકાર્યા હતા.

આ ડેલિગેશનના સભ્યોએ ગુજરાત દેશના જીડીપી ગ્રોથમાં 8 ટકાથી વધુનું જે મહત્વનું યોગદાન આપે છે તેનાથી પ્રભાવિત થતા કહ્યું કે, તેઓ ખાસ કરીને એસ.એમ.ઈ. સેક્ટરમાં બિઝનેસ એન્ડ ઇકોનોમી સંબંધો વધારવા ઉત્સુક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં હવે દેશના રાજ્યો ગ્રોથ રેટ વધારવા આગળ વધ્યા છે તેની ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જર્મનીના ઉદ્યોગોએ ગુજરાત પર જે ભરોસો મૂક્યો છે તેને વધુ સંગીન બનાવીને પરસ્પર સહયોગથી આપણે વધુ પ્રગતિ સાધી શકીશું.

તેમણે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી જર્મની સાથે વિશ્વાસુ મિત્ર તરીકે આગળ વધવા માગે છે તે સંજોગોમાં ગુજરાત અને જર્મનીના ઔદ્યોગિક સંબધોને વધુ ઉંડાણ પૂર્વકના અને લાંબાગાળા માટે વિકસાવીને ગુજરાતમાં જર્મન કંપનીઓના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધુ વેગ મળે તેવી અમારી નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ જર્મન ઉદ્યોગોના રોકાણોને વધુ સુવિધાપૂર્ણ બનાવવા હેલ્પ ડેસ્ક શરૂ કરવાના દિશાનિર્દેશ પણ આ બેઠકમાં આપ્યા હતા.

જર્મન સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, જર્મની પોતાની સપ્લાય ચેઈન ડાયવર્સીફાઈ કરવા ઈચ્છે છે તેમાં ગુજરાત તેમની પસંદ બને તે માટે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન સ્ટ્રક્ચર અને ઇકોનોમિક ફ્રેમ વર્કમાં જે ચેલેન્જીસ છે તે રીઝોલ્વ થાય તેવી તેમની અપેક્ષા છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાત એનર્જી સેક્ટરમાં અગ્રેસર છે તેમાં રિન્યુઅલ એનર્જીમાં ગ્રીડ અને સ્ટોરેજની જર્મન ટેકનોલોજીની એક્સપર્ટીઝનો સહયોગ મળી શકે તેમ છે.

CM Bhupendra Patel જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નું જે વિઝન આપ્યું છે તેમાં ગુજરાત લિડ લેવા સજ્જ છે. 2030 સુધીમાં 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનના લક્ષ્ય સાથો સાથ વિકસિત ગુજરાત @ 2047નો રોડમેપ તૈયાર કરીને 6 રિજનલ ગ્રોથ હબ તથા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી જિલ્લા સ્તરે ફોકસ સેક્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે.

એટલું જ નહીં વડાપ્રધાનએ ગુજરાતને પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકેની આગવી ઓળખ અપાવી છે. હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પોલિસી, આઇ.ટી. પોલીસી, ગ્રીન હાઈડ્રોજન પોલીસી વગેરે સેક્ટર સ્પેસિફિક પોલીસીઝનો લાભ લઈને જર્મનીના ઉદ્યોગો પોતાને અનુકુળ સેક્ટર્સમાં ગુજરાત સાથે સહભાગીતા કરી શકે છે. પ્રિસિઝન એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સેક્ટરમાં જર્મનીની તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તેવી તેમની અપેક્ષા છે.

આ ડેલીગેશનના સભ્ય અને સિમેન્સના સી.ઈ.ઓ. રોનાલ્ડ બુશે પણ ગુજરાતમાં એસ.એમ.ઈ અને અન્ય ઉદ્યોગો સપ્લાય ચેઈનનો ભાગ બને અથવા સપ્લાય ચેઈન ડેવલપ કરવામાં ઉપયોગી થઈ શકે તે અંગેના સુઝાવો આપ્યા હતા.

CM Bhupendra Patel સાથેની આ બેઠકની ચર્ચામાં જર્મનીના વિવિધ ક્ષેત્રોના જે 30થી વધુ અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો જોડાયા હતા તેમા ડૉ. કાર્લ બિત્ઝર મેનેજીંગ ડિરેક્ટર Delo industrieklebstoffe, બ્રુકનર ટ્રોકેન્ટેકનિકના સી.ઈ.ઓ. સુ રેજીના બ્રુકનર, વેબસ્ટો એસ.ઈ.ના સી.ઈ.ઓ. જોર્ગ બુચહેમ, TKMS AGના એમ.ડી. ઓલિવર બર્કહાર્ડ, ડૉ. વુલ્ફ ગ્રુપના મેનેજિંગ પાર્ટનર શ્રી એડ્યુઅર્ડ રિચાર્ડ ડોરેનબર્ગ વગેરેનો સમાવેશ થાય છે. આ ડેલીગેશનના સૌ સભ્યોએ ગુજરાતના આતિથ્ય સત્કારની પણ પ્રશંસા કરી હતી.

મુખ્ય સચિવ એમ.કે.દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, એસ.જી.એસ.ટી. કમિશનર આરતી કંવર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.