CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્રેડાઈ અમદાવાદ- GIHED (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ)ના 20માં ભવ્ય પ્રોપર્ટી શૉ-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ “આ અમદાવાદનો દસકો છે” ફિલ્મનું લોન્ચિંગ કરી ફિલ્મ નિહાળી હતી. પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિતિ રહ્યાં હતા.

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે તારીખ 9, 10 અને 11 જાન્યુઆરી-2026 ના રોજ યોજાનાર આ પ્રોપર્ટી શૉ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવાન નેતૃત્વમાં આજે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ છે, જે ભારતની અડગ શ્રદ્ધા, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે.

CM Bhupendra Patelએ જણાવ્યું કે સોમનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નહીં પરંતુ ભારતના આત્મવિશ્વાસ અને સ્વાભિમાનનું પ્રતીક છે. ઇતિહાસમાં અનેક વખત આ દેશની સંસ્કૃતિને તોડવાનો પ્રયાસ થયો, પરંતુ ભારતે હંમેશા એમાંથી બહાર આવી વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. આજે ભારત જે રીતે વૈશ્વિક સ્તરે ગૌરવભેર આગળ વધી રહ્યું છે, તેનું મુખ્ય કારણ વડાપ્રધાનશ્રીનું મજબૂત અને વિઝનરી નેતૃત્વ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન હંમેશ વિકાસની સાથે વિરાસતના સંરક્ષણ પર ભાર મૂકે છે. મંદિરો આપણી આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રો છે, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સાતત્ય, પ્રામાણિકતા અને સંકલ્પ જાળવવો એ પણ આપણી સંસ્કૃતિની શક્તિ છે. જેણે સાતત્ય જાળવ્યું છે, તે વ્યક્તિ કે સંસ્થા દરેક પડકારમાંથી બહાર આવી આગળ વધે છે.

CM Bhupendra Patelએ જણાવ્યું કે વડાપ્રધાનએ સેવા દાયિત્વ સાંભળ્યા પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં ગરીબ અને સામાન્ય માનવી માટે પાકા મકાનની યોજનાને મંજૂરી આપી, એ એમના સંવેદનશીલ અને લોકકેન્દ્રિત નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે. આજે બનતા આવાસોમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે સામાન્ય નાગરિકનું જીવન સુખાકારીવાળું બન્યું છે.

અમદાવાદના વિકાસ અંગે CM Bhupendra Patelએ જણાવ્યું કે આવનાર દાયકામાં અમદાવાદ અનેક ગણો વિકાસ કરશે. પ્રોપર્ટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશે. સરકાર તરીકે અમને ગર્વ છે કે અમદાવાદ અને ગુજરાત વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે.

પર્યાવરણ સંરક્ષણના મુદ્દે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારો સામે વરસાદી પાણીના સંગ્રહ, ભૂગર્ભ જળ સંરક્ષણ અને ઊર્જા બચત જેવા પગલાં આજથી જ અમલમાં મૂકવા જરૂરી છે. પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવો એ વિકસિત ભારત તરફનો માર્ગ છે.

મુખ્યમંત્રી પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે વિકસિત ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને રાજ્ય સરકાર આ દિશામાં સતત પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે.

આ પ્રસંગે મેયર પ્રતિભાબેન જૈન, ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલ, આલાપ ભાઈ પટેલ, QCI ના પ્રેસિડેન્ટ જક્ષય શાહ, GIHEDના પદાધિકારીઓ, રિયલ એસ્ટેટ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, ડેવલપર્સ, રોકાણકારો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.