Amit Chavda News: જન આક્રોશ યાત્રાના બારમાં દિવસની શરૂઆત બાલાસિનોરથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા ઓથવાડ, ભાંથલા, રૈયોલી, દેવ, આગરવાડા, થાણાસાવલી વીરડીયા ચોકડી માર્ગે લુણાવાડા તરફ આગળ વધી યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavdaએ જણાવ્યું કે બાલાસિનોર શહેરમાં કોલેરા અને અન્ય રોગના 300 કરતા વધુ કેસ થયા છે લોકોએ વારંવાર હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે અને હજુ પણ રોજે રોજ 15–20 કેસ આવે છે અને 2 મહિનાથી આ સમસ્યા છે અનેક લોકો સારવાર હેઠળ છે, 2 લોકોના મોત પણ થયા હોવા છતાં તંત્ર ઊંઘે છે નગરપાલિકા અને રાજ્યના સીએમ અને એમના મંત્રીઓ રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે, પણ આ બાલાસિનોરની પ્રજા 2 મહિનાથી કોલેરામાં હેરાન પરેશાન છે, છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી.

ઉપરાંત બાલાસિનોર સીટીના બહારના વિસ્તારમાં ડમ્પીંગ સાઇટ પર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે, જેના કારણે આસપાસના 20 કિલોમીટર સુધીના વિસ્તારના લોકોને શ્વાસ લેવાની સમસ્યાઓ થઈ રહી છે. એ સિવાય પણ અન્ય રોગો થઈ રહ્યા છે, તેમજ આસપાસના વિસ્તારની સમગ્ર જમીન પ્રદૂષિત થઈ ગઈ છે. જમીનનું પાણી દૂષિત થઈ ગયું છે અને બોરવેલમાંથી હવે કેમિકલ યુક્ત લાલ પાણી આવે છે. કારણ કે અહીંયા અનેક રિવર્સિબલ બોર બનાવવામાં આવ્યા છે, જેમાં પ્રદૂષિત કેમિકલને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે, જેના કારણે આવું થઈ રહ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી મોટી વાતો કરે છે, અહીંયા આવીને તપાસ કરે તો ખબર પડે કે હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ ખૂબ વધ્યું છે અને પાણી પણ અહીંયા પ્રદૂષિત થઈ ચૂક્યું છે.

સ્થાનિક જનતા જ્યારથી નોટિફીકેશન આવ્યું, ત્યારથી આનો વિરોધ કરી રહી છે. અનેક આંદોલનો પણ કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થઈ, કારણ કે આ બધા પાછળ ભાજપના નેતાઓની ભાગીદારી જવાબદાર છે. કેટલાય ભાજપના નેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે, સરકારને પણ કરોડોનો હપ્તો જાય છે, માટે લોકોની જિંદગી સાથે ખિલવાડ થતો હોવા છતાં સરકાર આને બંધ કરાવતી નથી. પરંતુ આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે સ્થાનિકો સાથે રસ્તા પર ઉતરશે અને આ મુદ્દાને સદન સુધી પણ લઈ જવામાં આવશે.

CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે વીજ તંત્ર દ્વાર ગ્રાહકોની જાણ બહાર, લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે, જેમાં ઘણી ખામીઓ સામે આવી ચૂકી છે. વગર વપરાશે લોકોના 20 હજાર કરતા વધુ બિલની આવ્યા હોવાની ફરિયાદો પણ સામે આવી છે, છતાં પણ લોકોના ઘરોના સ્માર્ટ મીટર લગાવવા પ્રેશર કરવામાં આવે છે. ઉપરાંત, મહીસાગર જિલ્લામાં ભાજપના લોકોએ નલ સે જલ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો છે. નગરપાલિકાઓમાં પણ LED લાઇટ ખરીદીથી લઈને રોડ રસ્તાઓ સહિતની કામગીરીમાં પણ ભાજપના સત્તાધીશો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વધુમાં બાજુમાં રાજસ્થાન આવેલું છે, જ્યાંથી મોટાપ્રમાણમાં પોલીસની મીલીભાગતથી રાજ્યમાં દારૂ ઘુસાડવામાં આવે છે.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી રામકિશન ઓઝા, લુણાવાડા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા..