Gopal Italia News: આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યમાં સરકારી કચેરીઓ બપોરે 2 થી 9 ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લખ્યું હતું કે ગુજરાતના લોકોને વિવિધ સરકારી કામકાજ માટે અલગ-અલગ કક્ષાની સરકારી કચેરીઓ જવું પડે છે. જનતાનાં રોજબરોજનાં નાના-મોટા કામ માટે સરકારી કચેરીઓ અનેક ધક્કા ખાવા પડે છે. દરેક અરજદાર પોતાની નોકરી કે કામકાજમાં રજા રાખીને સરકારી કચેરીએ ધક્કા ખાતો હોય છે. સરકારી કચેરીએ એક જ ધક્કામાં કામ ન થાય તો જેટલી વખત ધક્કા ખાવા પડે એટલી વખત નોકરી ઉપર કામકાજમાં રજા રાખવી પડે છે. જેના કારણે અરજદારને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. ગુજરાતમાં હાલમાં પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી બસ સ્ટેશન, ટોલનાકા, સરકારી દવાખાના સહિત અનેક સરકારી વ્યવસ્થાઓ રાત્રિ દરમિયાન પણ ચાલુ રહે છે. આથી જનતાને જરૂરી હોય તેવી કચેરીઓ પણ બપોરના 2 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા દરમ્યાન ચાલુ રાખવામાં આવે તો લોકોને કામ ધંધામાં રજા રાખવી નહીં પડે અને જનતાને સરળતા થઈ શકે તેમ છે.

AAP ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં લખ્યું હતું કે જે લોકો આખો દિવસ નોકરી ધંધા ઉપર કે ખેતી કામમાં જોડાયેલા હોય તેવા લોકો સાંજે પોતાની નોકરી પૂરી કર્યા પછી નિરાંતે સરકારી કચેરીએ જઈને પોતાનું કરાવી શકે તે માટે મામલતદાર, નગરપાલિકા, તાલુકા પંચાયત, વીજળી વિભાગ, મહાનગરપાલિકા વોર્ડ/ઝોન ઓફિસ અને પ્રાંત કચેરીઓ અને ગ્રામ્ય પંચાયત કચેરી બપોરનાં 2 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ કરવી જોઈએ. જો સરકારી ટોલનાકા આખી રાત ચાલુ રાખી શકાય તો મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી રાતના 9:00 વાગ્યા સુધી ચાલુ કેમ ન રાખી શકાય? અરજદારોએ પોતાની નોકરી કે ધંધામાં રજા રાખ્યા વગર સરળતાથી પોતાનું કામ કરાવી શકે તે માટે જનતાના હિતને ધ્યાનમાં રાખીને રાત્રિ કચેરી ચાલુ કરવાનો નિર્ણય કરવા મારી વિનંતી છે.