Amit Chavda: જન આક્રોશ યાત્રાના અગિયારમાં દિવસની શરૂઆત દેલોલથી કરવામાં આવી, ત્યારબાદ યાત્રા વેજલપુર, ગોધરા, છબનપુર, મીરાપુર, દલવાડા, છકડિયા ચોકડી, ૬૧ પાટિયા, ટીંબા માર્ગે બાલાસિનોર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavdaએ જણાવ્યું કે ભાજપના રાજમાં દેશમાં મોંઘવારી વધી છે. 2026 ની શરૂઆતમાં જ ભાજપની સરકારોએ જનતાને મોંઘવારીની ભેટ આપી અને કોમર્શિયલ સિલિન્ડરમાં રૂપિયા 111 નો ભાવ વધાર્યો, તેમજ ગુજરાતમાં ST બસના ભાડામાં 3 ટકાનો વધારો કર્યો. અગાઉ પણ 2025 માં જ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, અને આ મોંઘવારીના મારની સૌથી વધારે અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર થશે સરકારે આ વધારો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ
વધુમાં ગોધરામાં પાવરહાઉસ રોડ પર રેલ્વેના અંડરપાસનું કામ લાંબા સમયથી પૂરું ન થવાને કારણે લોકો પરેશાન છે. લોકોએ હિજરત કરીને જવું પડે એવી સ્થિતિ છે. અહીંયા GIDC છે, પરંતુ નામની છે મોટાભાગની ઇન્ડસ્ટ્રીઓ બંધ હાલતમાં છે. યુવાઓને રોજગાર નથી મળતો. વિકાસના બણગા ફૂંકતી વાયબ્રન્ટ ગુજરાતની વાતો કરતી સરકાર એકવાર ગોધરા GIDC ની વિઝીટ કરીને જે ફેક્ટરીઓ બંધ છે તેને શરૂ કરવા, તેમજ MSME ઉધોગોને મદદ કરીને યુવાઓને રોજગાર આપવા પ્રયાસ કરે.
ઉપરાંત આટલા વર્ષોથી ભાજપા સત્તામાં હોવા છતાં આ વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાઓ છે. ગોધરા જેવા શહેરમાં ગટરના પાણી રોડ, રસ્તાઓ પર આવે છે. ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ ફેલ છે. ઉપરાંત નગરપાલિકા દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા સંચાલિત શોપિંગ સેન્ટરમાં અચાનક ભાડા વધારીને વસૂલાત કરવામાં આવી રહી છે. વેપારીઓની દુકાનને સીલ મારવામાં આવી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલો કોર્ટમાં છે, અને કોર્ટ દ્વારા અમુક રાહત હોવા છતાં નગરપાલિકા પોતાની મનમાની કરી રહી છે.
પંચમહાલ, છોટાઉદેપુર સહિત રાજ્યભરમાં નલ સે જલ, મનરેગા યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે, અને આ ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓ, અધિકારીઓ અને એમના મળતિયાઓ કરી રહ્યા છે અને ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં નાના માણસથી લઈને મોટા ઉધોગપતિ સુધી તમામ વર્ગના લોકો ખુશ હતા, પરંતુ આજે ભાજપના શાસનમાં ભાજપના મળતિયાઓ સિવાય બધા દુઃખી છે. 15 લાખ તમારા ખાતામાં જમા કરાવવા, વિદેશમાંથી કાળું નાણું દેશમાં પરત લાવવા, દેશમાં મોંઘવારી ઘટાડવા, ડોલર સામે રૂપિયાને મજબૂત કરવા જેવી ઘણી મોટી વાતો કરીને નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા, પરંતુ 11 વર્ષના શાસનમાં એક પણ વચન પાળ્યું નથી. અને આજે ઊલટું મોંઘવારી વધી છે, રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. દેશમાં યુવાઓને રોજગારી નથી મળી રહી, દેશના તમામ વર્ગના લોકો હવે આ સરકારથી પરેશાન થઈ ચૂક્યા છે.
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, પંચમહાલ જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમાર, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા





