Switzerland: નવા વર્ષની ઉજવણી વચ્ચે, ગુરુવારે સ્વિસ રિસોર્ટમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. સ્કી રિસોર્ટમાં એક પ્રચંડ વિસ્ફોટમાં 40 લોકો દર્દનાક મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પોલીસે આપી ઘટનાની માહિતી
સ્વિસ પોલીસે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે, મોન્ટાનાના સુંદર આલ્પાઇન સ્કી રિસોર્ટ શહેર ક્રેસમાં એક બારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જેના કારણે આખી ઇમારત આગની લપેટમાં આવી જતાં લોકોમાં અફરાતફરી મચી હતી. આગ એટલી ભયાનક હતી કે, મોત અને ઇજાગ્રસ્તોની સંખ્યા સતત વધી રહી હતી. આ બારમાં 400 લોકોની ક્ષમતા હતી, પરંતુ ઘટના સમયે ફક્ત 100 લોકો હાજર હતા. તેમાંથી 40 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.
પોપ્યુલર બારમાં વિસ્ફોટ
દક્ષિણપશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના વેલેસ કેન્ટનના પોલીસ પ્રવક્તા ગેટાનો લેથિયનએ જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના રાત્રે લગભગ 1:30 વાગ્યે એક લોકપ્રિય પ્રવાસી બાર કોન્સ્ટેલેશન નામના બારમાં બની હતી. તે સમયે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા.
સ્વિસ મીડિયા દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં એક ઇમારત આગમાં લપેટાયેલી દેખાઈ રહી છે, જેની નજીકમાં ઇમરજન્સી વાહનો પાર્ક કરેલા છે. પોલીસ અહેવાલો દર્શાવે છે કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.





