Gujarat: વર્ષ 2025 ના છેલ્લા દિવસે, ગુજરાત સરકારના બંદરો અને પરિવહન વિભાગે રાજ્યના મોટર વાહન વિભાગમાં કાર્યરત અધિકારીઓ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, રાજ્યના 17 સહાયક પ્રાદેશિક પરિવહન અધિકારીઓ (કેટેગરી-2) ને પ્રાદેશિક પરિવહન અધિકારી (કેટેગરી-1) ના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે અને નવી નિમણૂકો આપવામાં આવી છે.

પગાર ધોરણમાં વધારો અને તાત્કાલિક અમલીકરણ

આ બઢતી પામેલા અધિકારીઓને પે મેટ્રિક્સ લેવલ-11 (રૂ. 67,700 થી રૂ. 2,08,700) માં મૂકવામાં આવ્યા છે. સરકારી આદેશ મુજબ, આ બધી બદલીઓ અને બઢતી તાત્કાલિક અમલમાં આવશે.

ગુજરાતના રાજ્યપાલના આદેશ અનુસાર બંદરો અને પરિવહન વિભાગના નાયબ સચિવ તેજેન્દ્ર પટેલ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી મુખ્યમંત્રી કાર્યાલય, રાજ્યપાલ સચિવ અને પરિવહન કમિશનર સહિત તમામ સંબંધિત કચેરીઓને મોકલવામાં આવી છે.