Ahmedabad News: અમદાવાદ કિડની હોસ્પિટલમાં દવાનો સ્ટોક ન હોવાથી આમ આદમી પાર્ટીના નેતા અને હોસ્પિટલ કેર કમિટીનાં અધ્યક્ષ વિનોદ પરમારે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહીં ડોક્ટરે જે દવા લખી આપી તેમાંની ઘણી દવાઓ મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ નથી. આ માટે જવાબદાર કોણ ? અહીંયા એવું કહેવામાં આવે છે કે આ દવાઓ હાલ સ્ટોકમાં નથી, એક મહિના કે બે મહિના પછી આવજો. મારી પોતાની જ ડાયાબિટીસ અને બીપીની દવા અહીંથી ચાલે છે. અમુક દવાઓ અહીં મળતી નથી. વારંવાર કહેવાથી અહીંના લોકો કહે છે કે અમારી પાસે સ્ટોક નથી, તો સ્ટોક આવે છે ક્યાંથી? સરકારને પણ શરમ આવવી જોઇએ. અહીં સવારમાં ગરીબ માણસો લાંબી લાઈનમાં ઊભા રહેતા હોય છે. આ ગરીબ માણસો દૂર દૂર ગામડાઓમાંથી આવતા હોય છે અને દવા ન મળતા હોય તેઓ પાછા જતા રહે છે.
AAP નેતા વિનોદ પરમારે વધુમાં જણાવ્યું હતું કે જો લોકોનાં ખિસ્સામાંથી જ રૂપિયા લેવા હોય તો સરકારે ટેક્સ લેવાનો બંધ કરી દેવો જોઈએ. આ મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ પ્રાઇવેટ છે તેવું નામ આપી દેવું જોઈએ. આ ચલાવી લેવામાં આવશે નહીં. આરોગ્ય મંત્રી જો સુતા હોય તો તેમને ખબર હોવી જોઈએ કે અહીં મેડિકલ સ્ટોરમાં લોલમલોલ ચાલે છે. કોઈ જગ્યાએ સ્ટોક હોતો નથી. ગરીબ દર્દીઓ દવા વગર જ પાછા જતા રહે છે. હું આમ આદમી પાર્ટી તરફથી આરોગ્ય મંત્રી અને અગ્ર સચિવને લેટર લખવાનો છું. આ ચલાવી લેવામાં આવશે નહીં, અહીં જેટલી પણ દવાઓ નથી તે તમામ દવાઓ જોઇએ. શરમ આવવી જોઈએ. તમે લોકોનાં ટેક્સના પૈસા તમારા તાયફાઓમાં વેડફી રહ્યા છો તેના કરતાં અહીં દવાઓમાં વાપરો જેથી દર્દીઓને દવા મળે.





