Chaitar Vasava News: નર્મદા જિલ્લાના સાવલી ખાતે આજે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ “ગુજરાત જોડો” જનસભામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે પણ યુદ્ધ લડ્યા અને પોતાની શહીદી આપી અને બાદમાં આપણે તમામને આઝાદી મળી. તો આઝાદી બાદ આપણને એવી આશા હતી કે ભારત દેશનું બંધારણ ઘડાયું છે તો હવે આદિવાસી લોકોને ન્યાય મળશે. બંધારણ બન્યું, અલગ અલગ રાજ્યો બન્યા, અલગ અલગ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બન્યા પરંતુ હજુ પણ આઝાદીના 78 વર્ષ બાદ પણ બંધારણમાં આદિવાસીઓ માટે કરેલી જોગવાઈ એટલે કે અનુસૂચિ પાંચ અને પેસા એક્ટને લાગુ કરવામાં આવ્યો નથી. આદિવાસી વિસ્તારોમાં કોઈપણ પ્રકારનું કામ કરવું હોય, કોરીડોર બનાવવો, પ્રોજેક્ટ શરૂ કરવો હોય કે પછી હાઈટેન્શન ટાવર નાખવા હોય પછી કોઈ નહેર બનાવવી હોય, તો આવી કોઈ પણ પ્રકારની કામગીરી માટે ગ્રામસભાને સત્તા આપી છે. બંધારણમાં જ કહેવામાં આવ્યું છે કે “ન લોકસભા ન વિધાનસભા, સબસે ઊંચી ગ્રામસભા” પરંતુ દુઃખની બાબત એ છે કે આપણા ગ્રામસભાના જે પાવર છે, તેને લાગુ કરવામાં આવ્યો નથી. ગ્રામસભાના એજન્ડા એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે, ગાંધીનગરથી મોકલેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે. પરંતુ જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો અનુસુચિ પાંચ અને પેસા એક્ટ લાગુ કરવામાં આવશે. ગામના લોકો નક્કી કરશે કે શું જોઈએ છે અને એનો ઠરાવ ગાંધીનગર જશે અને ગાંધીનગરથી મંજૂરી મળી જશે.
ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન આપણા વિસ્તારમાં આવ્યા તો એમના કાર્યક્રમમાં 50 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો. પરંતુ હકીકત એ છે કે આ તો ફક્ત એક જ કાર્યક્રમની વાત છે. સરકાર દ્વારા વિકાસ પર્વ, વિકાસ મહોત્સવ, ગૌરવ યાત્રા જેવા અનેક પ્રોગ્રામો થયા અને આ પ્રોગ્રામોમાં આદિવાસી સમાજના લોકોના કરોડો રૂપિયા ખર્ચ નાખવામાં આવ્યા. મેં હિસાબ માંગ્યો કે દસ કરોડનો મંડપ ક્યાંથી લાવ્યા? બે કરોડનો ડોમ ક્યાંથી? પાંચ કરોડનો સ્ટેજ ક્યાંથી બનાવ્યો? બે કરોડના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો, 2 કરોડ 40 લાખના ટોયલેટ લાવ્યા એનો હિસાબ આપો, દસ કરોડની હોટલના બિલોના હિસાબ આપો, મેં આ સવાલ કર્યા ત્યારબાદ ભાજપના પેટમાં તેલ રેડાયું. ત્યારબાદ ભાજપના સાંસદે મારા પર આરોપ લગાવ્યો કે હું હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગી રહ્યો છું. પરંતુ સવાલ એ છે કે શું જો હું 75 લાખ કોઈની જોડેથી લઉં તો ભાજપવાળા મને છોડે? પાણીના ગ્લાસના મુદ્દા પર મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો હતો તો ૭૫ લાખ માટે મને આ લોકો ક્યાંથી છોડે? મેં મોદીજીના કાર્યક્રમમાં થયેલ ખર્ચાની વિગત માંગી અને એનાથી આ લોકોના કૌભાંડ બહાર આવે એમ છે, એટલા માટે એ લોકો બૌખલાઈ ગયા છે. આ પહેલા પણ મેં મનરેગાનો કૌભાંડ જાહેર કર્યું હતું, એમાં ઘણા લોકો જેલમાં ગયા. નલ સે જલ કૌભાંડમાં પણ ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને કૌભાંડ કર્યું છે.





