Brijraj Solanki AAP: વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના યુવાન વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણ નહિ હોવાને કારણે ગટરમાં પડવાથી તેનું મૃત્યુ થયું. આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, લોકસભા પ્રમુખ વિરેન રામી અને ઇસ્ટ ઝોન તેમજ વડોદરા શહેર પ્રભારી અશોક ઓઝાની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેટ પર તાળા મારી દેવામાં આવ્યા હતાં અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. તેમ છતાં આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ દ્વારા ગેટ કૂદી ડેપ્યુટી કમિશનર કરીને આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરી હતી. જો આગામી દિવસોમાં પીડિત પરિવારને ન્યાય નહીં આપવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આમ આદમી પાર્ટીએ ઉચ્ચારી હતી.
આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ યુવા પ્રમુખ Brijraj Solankiએ મ્યુનિસિપલ કમિશનર સામે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, માંજલપુર વિધાનસભામાં કોર્પોરેશનની ગંભીર બેદરકારીના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન અને સંબંધિત કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી છે. જાહેર સલામતી માટે જરૂરી પગલાં લેવામાં ન આવતા એક યુવાનનો જીવ ગયો છે, જે સમગ્ર શહેર માટે એક ચિંતાનો વિષય છે. આમ આદમી પાર્ટી સમગ્ર વડોદરા શહેર તરફથી કોર્પોરેશન સમક્ષ માંગ કરે છે કે આ ઘટના મુદ્દે તાત્કાલિક, નિષ્પક્ષ તથા પારદર્શક તપાસ કરવામાં આવે અને જવાબદારો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અમારી માંગ છે કે આ ઘટનામાં જવાબદાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. અમારી વધુ માંગ છે કોન્ટ્રાક્ટર તથા જવાબદાર અધિકારી સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. મૃતકના પરિવારને પાંચ કરોડનું વળતર ચૂકવવામાં આવે. આવી દુર્ઘટના ફરીથી ન બને એ માટે શહેરમાં ચાલી રહેલા તમામ જોખમી વિકાસ કાર્યોની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે.





