Isudan Gadhvi News: “સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.” અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો કે “ભ્રમણા ફેલાવે છે”, પરંતુ એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવ્યા છે. અત્યારે બે મહિના વાપર્યા પછી લાઇટ બિલ ભરીએ છીએ. છ મહિના પછી તમે સ્માર્ટ મીટર લગાવીને કહેશો કે “હવે એડવાન્સવાળું પ્રિપેઇડ લેવુ પડશે, તો જ સ્માર્ટ મીટર ચાલશે, નહિતર લાઇટ જતી રહેશે.” એવા કેટલાય પરિવારો છે કે જેની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી. આ કરવા માટે તમે સત્તા પર આવ્યા છો? જેની પાસે અગાઉથી જ મીટર છે, તેના પ્રજાએ પૈસા ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો અને તેના પણ રૂપિયા લેશો? તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે જશો? કંપનીઓએ તમારી સાથે શું ડીલ કરી છે તે ભગવાન જાણે, પરંતુ પ્રજા નથી ઈચ્છતી કે સ્માર્ટ મીટર લાગે.

વધુમાં પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે, હું જનતાને કહેવા માગું છું કે એવો કોઈ પરિપત્ર નથી કે “સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું.” તમારે ત્યાં ફરજિયાત લગાવતા હોય તો તમે વિરોધ કરી શકો છો કે “આપણે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ.” આમ આદમી પાર્ટીને જ્યાં પણ કહેશો ત્યાં સ્માર્ટ મીટરની લડાઈમાં તમારી સાથે રહીશું. ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે “તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે.” જ્યારે ગ્રાહક કહે છે કે “અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા.” ત્યારે કહે છે કે “જૂના મીટર અમારી પાસે નથી.” આ ભાજપનું અને ગુજરાત સરકારનું ષડયંત્ર છે. આ માત્ર ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં એક કંપનીની દલાલી કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટર લગાવીને પછી એડવાન્સ લે એટલે હજારો કરોડો રૂપિયા આપણા ડિપોઝિટના લઈ લેશે, પછી પ્રિપેઈડ કરી નાખશે, પછી કઈ રીતે બિલ આવે છે તે આપણે સૌ જાણીએ છીએ.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પહેલા પરિપત્ર બહાર પાડો. પછી તમામ ભાજપના નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો, કમલમમાં લગાવો, અને પછી પ્રજા પાસે જાવ, એવું નહીં થાય. મેં સાંભળ્યું છે કે હમણાં શહેરમાં આ કેમ્પેઇન ઓછું કર્યું છે. મહાનગરપાલિકાની અને નગરપાલિકાની અને જિલ્લા-તાલુકાની ચૂંટણી પૂરી થયા પછી આ કેમ્પેઇન શરૂ કરવાના છો? હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ કંપનીની દલાલીઓ કરે છે. સ્માર્ટ મીટર તમારે ન લગાડવું હોય તો આ વખતે ભાજપને ભગાડો. જો ભાજપ તાલુકા, જિલ્લા, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ચૂંટણીમાં જીતશે એટલે બીજા દિવસે સ્માર્ટ મીટર તમારે ત્યાં લાવશે, પછી લૂંટ ચલાવશે, પછી પ્રિપેઈડ લાવશે, પછી મોટા બીલ લાવશે. તો તમે કોને ફરિયાદ કરવા જશો ? આ ઉપરથી આવેલું છે એટલે આ ભાજપના નેતાઓની એટલી ઔકાત નથી કે સ્માર્ટ મીટર નહીં લગાડીએ તેવું કહી શકે. કારણ કે ઉપરથી કંપનીઓ અને નેતાઓની ડિલ થયેલી છે. આ લોકો ફરી તમારા પર સ્માર્ટ મીટર થોપશે. એટલે માત્ર એક જ ઈલાજ છે ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક પણ માણસ મત નહિ આપે તો સ્માર્ટ મીટર લાગશે નહિ. જો ભાજપ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ સહિત ભોળવીને મત લઈ ગયા તો બીજા દિવસે સ્માર્ટ મીટર થોપવામાં આવશે. પછી છ મહિના પછી નવો કાયદો આવશે. પછી સ્માર્ટ મીટરના પણ તમારે રૂપિયા આપવા પડશે. તમને લૂંટવામાં આવશે. હું સૌને અપીલ કરું છું કે જાગજો અને જ્યાં પણ સ્માર્ટ મીટર ન જોઇતું હોય ત્યાં આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમારી સાથે ઉભા છે.