Amit Chavda News: જન આક્રોશ યાત્રાના છઠ્ઠા દિવસની શરૂઆત સાવલીથી કરવામાં આવી ત્યારબાદ યાત્રા ગોઠડા, બહુથા, ટુંડાવ, મંજુસર, દુમાડ, છાણી, વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અટલાદરા તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavda તથા વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડો તુષાર ચોધરી ની આગેવાનીમાં સેંકડો યુવાઓએ બાઇક રેલીના માધ્યમથી પ્રજાના જન આક્રોશને વાચા આપી હતી
મંજુસર ખાતે “કામદાર સંવાદ” દ્વારા શોષિત કામદારો, ફિક્સ પગાર કર્મીઓ, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા યુવાઓ સાથે સંવાદ કરીને અસંગઠિત કામદારો માટે મજબૂત સંગઠન રચી તેમના માટે કોંગ્રેસ દ્વારા કાનૂની, રાજકીય અને આંદોલનાત્મક લડાઈ લડવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
વડોદરા ખાતે જાહેરસભામાં ઉપસ્થિત મોટી સંખ્યામાં હાજર રહેલા નાગરિકોએ વડોદરા શહેરના સળગતા પ્રશ્નો માટે રજૂઆત કરી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ Amit Chavdaએ જણાવ્યું કે સાવલી તાલુકાની મંજુસર GIDCમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે. 8 કલાકના કામનો કાયદો હોવા છતાં અનેક કંપનીઓ દ્વારા કામદારોને 12 કલાકથી પણ વધુ સમય કામ કરાવવામાં આવે છે અને એ માટે યોગ્ય વેતન પણ આપવામાં આવતું નથી. ઉપરાંત GIDCમાં વારંવાર અકસ્માતોની ઘટનાઓ બને છે છતાં કંપનીઓ દ્વારા જરૂરી સેફટી વ્યવસ્થાઓ કરવામાં આવતી નથી. અકસ્માતમાં કામદારોના મૃત્યુ થાય ત્યારે તેમના પરિવારજનોને કોઈ યોગ્ય વળતર કે સહાય આપવામાં આવતી નથી. સ્થાનિક યુવાઓને રોજગાર આપવામાં આવતો નથી. કામદારો દ્વારા એવી પણ ગંભીર રજૂઆત કરવામાં આવી છે કે ભાજપના નેતાઓ કામદારોના શોષણના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ ઉઘરાવે છે, જેના કારણે કામદારોની હાલત વધુ દયનીય બની રહી છે. કામદારો માટે કોંગ્રેસની સરકારોમાં કાયદા બન્યા હતા પરંતુ ભાજપના રાજમાં એકપણ કાયદાનું પાલન થતું નથી.
ઉપરાંત ભાજપના રાજમાં કોર્પોરેશનમાં કાયમી નોકરીઓ મળી રહી નથી, કાયદો–વ્યવસ્થાના હાલ બેહાલ છે, બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, કોલેજોમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે, પરંતુ ભાજપની સરકાર તાયફાઓ કરવામાં વ્યસ્ત છે. વધુમાં દર વર્ષે વડોદરા જેવા શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને આ માટે માત્ર ને માત્ર કોર્પોરેશન અને ગાંધીનગરની સત્તામાં બેઠેલા લોકોની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચાર જ જવાબદાર છે. પૂરથી અસરગ્રસ્ત લોકોને સહાય પણ આપવામાં આવતી નથી અને વિશ્વામિત્રી નદી ઊંડી કરવાના નામે કરોડોના પ્રોજેક્ટના બહાને સત્તામાં બેઠેલા લોકો માત્ર પોતાના ખિસ્સાઓ જ ભરે છે. એમને જનતાની કોઈ પડી નથી.
બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતી વર્ગના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, તેમની હત્યાઓ થઈ રહી છે વડાપ્રધાનને વિનંતી કરીએ છીએ કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે. ચૂંટણી અગાઉ તમે ખૂબ મોટી વાતો કરી હતી કે પડોશી દેશો કોઈ ગુસ્તાખી કરશે તો લાલ આંખ કરીશું, ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. ત્યારે આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તેની સામે લાલ આંખ બતાવો, હિંદુઓનું રક્ષણ કરો. અહીંયા હિંદુઓના નામે રાજનીતિ કરો છો, અહીંયા સત્તાની તમામ તાકાત તમારી પાસે છે, ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓના મર્ડર થાય છે, જુલ્મ થાય છે, તેને તાત્કાલિક અટકાવો અને રક્ષણ આપો.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે. આ સરકાર માત્ર એમનું જ વિચારી શકે છે. ગમે એવું ખોટું કરે તો પણ ઉદ્યોગપતિઓને સંરક્ષણ આપતી સરકાર છે. અહીં લેબર લો, ફેક્ટરી એક્ટ અને કાયદો–વ્યવસ્થા કામદારો માટે લાગુ પડતા નથી. જો પરિવર્તન લાવવું હશે તો સંગઠિત લડત જરૂરી છે અને કોંગ્રેસ પાર્ટી એ લડત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આગામી સમયમાં સડકથી લઈને સદન સુધી કામદારોના હક્ક અને અધિકારોની લડાઈ લડીશું.
નબળી પડતી અર્થવ્યવસ્થા અંગે ટાંકતા તેમણે જણાવ્યું કે ડોલર સામે રૂપિયો 62 પરથી ઘટીને 90 સુધી પહોંચી ગયો છે. તેમણે આકરા પ્રહાર કરતા પૂછ્યું કે જેઓ મોંઘવારી દૂર કરવાની કસમ ખાતા હતા, તેમણે જ દેશને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધો છે અને હવે જનતાએ આ અન્યાય સામે અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે.





