Kiran Desai AAP : સરખેજ વિસ્તારમાં રહેતા લોકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ દ્વારા મૌખિક જાણ કરવામાં આવી હતી કે “તમારા મકાનો તોડી દેવામાં આવશે.” આ મુદ્દે આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, સરખેજ વોડૅના પ્રભારી વિષ્ણુભાઈ ઠાકોર, વેજલપુર વિધાનસભાના સહ પ્રભારી અનસભાઈ પટની, મકતમપુરા વોર્ડના ઇન્ચાર્જ યાકિબ સનિષ્ટા, કાયૅકતા જયોતિષભાઈ અને અન્ય કાર્યકર્તા સહિત સ્થાનિક લોકો મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા. આ દરમિયાન AAP નેતા કિરણ દેસાઈએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સરખેજ વિસ્તારના મલકાની તળાવ પાસે 40 વર્ષથી ગરીબ પરિવારના લોકો વસી રહ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રાતોરાત આવીને એમને ધમકાવીને કહ્યું કે “અમે તમારા મકાનો તોડી દઈશું.” અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની લેખિત બાંહેધરી આપવામાં આવી નથી, જે મુદ્દે આજે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને મળીને રજૂઆત કરવા આવ્યા હતા.

AAP નેતા Kiran Desaiએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સ્થાનિક લોકોની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ આજે રજૂઆત કરી છે, હાલ કોર્પોરેશનના કમિશનર હાજર ન હતા માટે તેમના PAને રજૂઆત કરવામાં આવી છે. અમે અમારી માંગ રજૂ કરી છે કે તંત્ર દ્વારા લોકોને સૌથી પહેલા વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. અમે એસ્ટેટ ખાતાના અન્સારીભાઈને પણ રજૂઆત કરી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જે પુનર્વસનની યોજના હતી, એમાં આ ગરીબ લોકોને મકાન આપવામાં આવે, એવી અમારી માંગણી છે. અમે સરકારને પણ કહેવા માંગીએ છે કે 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે “કોઈપણ વ્યક્તિ ઘર વગર નહીં રહે” પરંતુ અમને એવી ખબર ન હતી કે સાહેબ બધાને ઘરવિહોણા કરી નાખશે એટલે કે સાહેબનું સૂત્ર આજે સચોટ સાબિત થઈ રહ્યું છે. અમે સરકારને પણ રજૂઆત કરવા માંગીએ છીએ કે તમારે જે કિન્નાખોરી કરવી હોય એ કરો પરંતુ ગરીબ પરિવારો પર કોઈ પ્રકારની કિન્નાખોરી ન કરો અને ગરીબો સાથે કોઈ અન્યાય ન કરો.