CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) ધરાવતું એક પણ બાળક સારવાર-સુવિધાથી વંચિત ન રહે તેવી સઘન સારવાર વ્યવસ્થાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ટાઈપ-1 ડાયાબિટીસ- જુવેનાઈલ ડાયાબિટીસ સારવાર-નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરથી કરાવતા આ નેમ દર્શાવી હતી.

રાજ્યના દુરદરાજ વિસ્તારોના પ્રાયમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ-1 ડાયાબિટીસની સારવારનો લાભ મળી રહે અને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાય તેવા આરોગ્ય સેવાલક્ષી અભિગમથી આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરી રહ્યા છીએ તેમ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આ માટે તેમણે નાનામાં નાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળે તે માટે આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા-સંભાળ યોજના શરૂ કરી છે.

એટલું જ નહીં લોકો નિરોગી રહે તે માટે યોગના પ્રચાર-પ્રસારને પણ મહત્વ આપ્યું છે. આમ છતાં જો કોઈને ગંભીર બીમારી આવે તો આયુષ્યમાન કાર્ડથી સરકાર તેની સારવાર માટે પડખે ઉભી છે. યોગથી આયુષ્માનની તેમની આ આગવી સંકલ્પના છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, રાજ્ય સરકારે પણ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે.

CM Bhupendra Patel એ રાજ્યવ્યાપી અભિયાનના આ આરંભ અવસરે ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કિટનું વિતરણ કરતાં કહ્યું કે આવા બાળકોની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિ:શુલ્ક ઈન્જેક્શનો તથા ગ્લુકોમિટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બાળ આરોગ્ય સંભાળ માટે પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટીવ લાઈફ સ્ટાઈલ ત્રણેય પર ફોકસ કર્યુ છે. રાજ્યની શાળાઓમાં શાળા આરોગ્ય અભિયાન શરૂ કરીને દર વર્ષે સરેરાશ 1 કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.

આ તપાસ દરમિયાન જો કોઈ બાળકને વધુ સારવારની જરૂર જણાય તો સરકારી હોસ્પિટલોમાં રિફર કરીને કિડ્ની, હ્રદય રોગ, કેન્સર, લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સુપર સ્પેશ્યાલિટી સારવાર વિના મુલ્યે રાજ્ય સરકાર આપે છે. પાછલા 11 વર્ષોમાં 2 લાખ 18 હજાર કરતાં વધુ બાળકોને આવી સારવાર આપવામાં આવી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે, હવેની લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસફુલ જીવનશૈલીના કારણે પુખ્ત અને યુવા વયમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યુ છે. જીવનશૈલીમાં બદલાવ લાવીને તે દૂર કરી શકાય તેમ જણાવતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વધતી જતી મેદસ્વિતા બાબતે લોકોને સાવચેત થવા ભોજનમાં 10 ટકા તેલનો ઉપયોગ ઘટાડવા અને નિયમિત વ્યાયામને જીવનનો ભાગ બનાવાવાની અપીલ કરી છે તેને સૌ લોકો અપનાવે તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

તેમણે વિકસિત ભારત @ 2047ના વડાપ્રધાનએ આપેલા સંક્લ્પને સ્વસ્થ, તંદુરસ્ત અને સમૃદ્ધ વિકસિત ગુજરાતથી સાકાર કરવા પણ આહવાન કર્યુ હતું.

આ રાજ્યવ્યાપી અભિયાનના આરંભ વેળાએ ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શીલ્પાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ  ડૉ. આશિત દવે, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ તથા જિલ્લા અને શહેરના પદાધિકારીઓ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આરોગ્ય કમિશ્નરઓ  હર્ષદ પટેલ અને ડૉ. રતનકંવર ગઢવી ચારણ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, તબીબો અને બાળકો તથા તેમના પરિવાર જનો ઉપસ્થિત રહ્યા હતા.