IKDRC : અમદાવાદ સ્થિત Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે, જેમાં માત્ર વહીવટી વિલંબ અને ફાઇલ અટકાવી રાખવાના કારણે એક ગરીબ કિડની દર્દીને રાષ્ટ્રીય આરોગ્ય નિધિમાંથી મળતી ₹5 લાખની સરકારી સહાયથી વંચિત રાખવામાં આવ્યો છે


35 વર્ષના કિડની દર્દી શમશેર સિંહે તારીખ 02 ડિસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય આરોગ્ય નિધિ હેઠળ સહાય મેળવવા માટે તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરી અરજી કરી હતી. આ અરજી IKDRCના યોજના વિભાગના રૂમ નંબર 10માં જમા કરાવવામાં આવી હતી. ત્યારબાદ દર્દીને વારંવાર માત્ર એટલું જ કહેવામાં આવતું હતુ કે ડાયરેક્ટરના હસ્તાક્ષર હજી થયા નથી


દર્દી અનેક વખત ડાયરેક્ટરને મળવા પહોંચ્યો, પરંતુ તેને મળવાની મંજૂરી આપવામાં આવી નહીં. તે કલાકો સુધી ડાયરેક્ટર ઓફિસની બહાર બેસી રહેતો. તે સમયે બનાવેલ એક વિડિયો પણ ઉપલબ્ધ છે, જેમાં શમશેર સિંહ ખુદ કહેતા નજરે પડે છે કે તેઓ લગભગ પાંચ કલાકથી રાહ જોઈ રહ્યા છે, છતાં હજુ સુધી ડાયરેક્ટર તેમને મળ્યા નથી


લગભગ બે મહિના સુધી ફાઇલ આ રીતે અટકી રહી. આ દરમ્યાન શમશેર સિંહે પોતાની ખેતીની જમીન વેચીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડી. ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ તેણે આ સમગ્ર બાબત Kidney Dialysis & Transparent Foundationના ફાઉન્ડર અને સામાજિક કાર્યકર્તા મહેશ દેવાણીને જણાવ્યુ. ત્યારબાદ મહેશ દેવાણી ખુદ IKDRC પહોંચ્યા અને ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી સાથે મુલાકાત કરી। સ્થળ પર ભારે ચર્ચા અને વાદવિવાદ બાદ ડાયરેક્ટર ફાઇલ પર હસ્તાક્ષર કરવા તૈયાર થયા


પરંતુ તે સમયે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તારીખ 30 જાન્યુઆરી 2025ના રોજ શમશેર સિંહની કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલેથી જ થઈ ચુકી હતી. ત્યારબાદ જ્યારે ફાઇલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, ત્યારે અરજીમાં લખીને મોકલવામાં આવ્યું કે ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યુ છે, જ્યારે રાષ્ટ્રીય આરોગ્ય નિધિના નિયમો સ્પષ્ટ રીતે કહે છે કે સહાય ટ્રાન્સપ્લાન્ટ પહેલાં જ આપવામાં આવે છે


આરોગ્ય નિધિ વિભાગે દર્દીને ફોન કરીને પુષ્ટિ કરી. દર્દીએ સત્યતા જણાવી કે ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યુ છે. આ આધાર પર ₹5 લાખની સહાય આપવા ઇનકાર કરી દેવામાં આવી. જો ફાઇલ પર સમયસર હસ્તાક્ષર થયા હોત, તો આ સહાય દર્દીને મળી ગઈ હોત


આ મામલો સામે આવ્યા બાદ એવું પણ જાણવા મળ્યું છે કે આવા અનેક અન્ય દર્દીઓ છે, જેમની ફાઇલો પર પણ ડાયરેક્ટર સ્તરે હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી, પરંતુ કોઈ પણ દર્દી સામે આવવાની હિંમત કરતો નથી. દર્દીઓને ભય રહે છે કે ફરિયાદ કરવાથી તેમનુ ટ્રાન્સપ્લાન્ટ અટકી શકે, સારવારમાં ઇચ્છાપૂર્વક વિલંબ થઈ શકે અથવા આગળની સારવાર પ્રભાવિત થઈ શકે.


શમશેર સિંહની સ્પષ્ટ માંગ છે આ આર્થિક નુકસાન IKDRCના પ્રશાસન અને ડાયરેક્ટરની વિલંબ અને બેદરકારીના કારણે થયું છે, તેથી ₹5 લાખની સહાય રકમ IKDRC દ્વારા તેમને ચુકવવામાં આવે


આ મામલો હવે માત્ર એક દર્દીનો નથી રહ્યો, પરંતુ સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓના અધિકાર, પારદર્શિતા અને જવાબદારી પર એક ગંભીર પ્રશ્ન સર્જાયો છે