Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ આજે સરપંચોને ગ્રામજનો સાથે આયોજિત શિબિરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ખર્ચાયેલા કરોડો રૂપિયા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, તંત્ર સમક્ષ મેં માંગ કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેડીયાપાડામાં જે કાર્યક્રમ કર્યો એમાં કયા વિભાગે કેટલો ખર્ચ કર્યો એ મુદ્દે જાણકારી આપવામાં આવે. જવાબમાં મને એક એક કચેરીના કરોડોના ખર્ચાઓની વિગતો આપી છે. 7 કરોડનો મંડપ, 3 કરોડનો ડોમ, 5 કરોડનો સ્ટેજ, 2 કરોડનો ચા નાસ્તો, 7 કરોડની બસો, કરોડોના બેનર, બે કરોડના ટોયલેટ સહીત હોટલમાં અને ખાવા પીવામાં લાખો અને કરોડોના ખર્ચા કરી નાખવામાં આવ્યા. આપણા બાળકોને હોસ્ટેલમાં આખા મહિનાના ખાવા પીવા અને લાઈટ બિલ સહિતના ખર્ચના મહિનાના 2100 રૂપિયા મળે છે અને અધિકારીઓ એક ટાઈમની 3000ની ડીશો ખાઈને ગયા. સિકલ સેલની સહાય લોકોને મળતી નથી તો જ્યારે મેં અધિકારીને વાત કરી તો મને જણાવવામાં આવ્યું કે ગ્રાન્ટ નથી. બે વર્ષથી આપણા બાળકોની શિષ્યવૃત્તિ બંધ છે, આમાં પણ અધિકારીઓ કહે છે કે ગ્રાન્ટ નથી.
ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી લોકો અને વિદ્યાર્થીઓ માટે પૈસા નથી અને તાઈફાઓમાં અમારા 50 કરોડ રૂપિયા વાપરી નાખ્યા, એ કેટલું વ્યાજબી છે? આ તમામ કાર્યક્રમોમાં આદિજાતિ વિકાસના ગ્રાન્ટના પૈસા વાપરવામાં આવ્યા છે, આંગણવાડીના બિલો મંજૂર નથી થતા અને એના પૈસા તાઈફાઓમાં વાપરી નાખવામાં આવે છે. આપણા બાળકોના શિક્ષણ અને વિકાસના પૈસા આ લોકો વાપરી રહ્યા છે. યુનિટી માર્ચ કાઢી એમાં લાખોના મંડપના ખર્ચ એમની પાર્ટીની ગ્રાન્ટમાંથી નથી ખર્ચાયા પરંતુ આપણી ગ્રાન્ટમાંથી ખર્ચાયા છે. માટે હવે આપણે લોકોએ જાગવું પડશે. આપણા બાળકોની શાળાઓમાં ઓરડાઓ નથી બની રહ્યા. આપણા જિલ્લામાં 12333 બાળકો કુપોષણથી પીડાય છે. બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા માટે ફુડબીલ માટે ગ્રાન્ટ નથી અને બીજી બાજુ તાઈફાઓમાં કરોડોનો ખર્ચ કરી નાખવામાં આવે છે. ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી આપણે પણ ઉજવી છે પરંતુ એના માટે અમે કોઈ પણ કચેરીમાંથી એક પૈસાનો ખર્ચ લીધો નથી.





