Chaitar Vasava AAP: પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો પર રાજદ્રોહ સહિતના કેસો કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો વિરુદ્ધના અનેક કેસોને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના અન્ય આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના તમામ કેસો સરકારે પરત કરવાનો સરકારે જે નિર્ણય કર્યો છે. અહીંયા સવાલ હાર્દિક પટેલનો નથી પરંતુ સવાલ ગુજરાતની કાનૂન વ્યવસ્થાનો છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ત્યારે અમે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે હાલમાં અંબાજી નજીક પાડલીયા ગામમાં જે આદિવાસી લોકો પર ખોટો કેસ કરવામાં આવ્યા છે, એ કેસ પરત લેવામાં આવે. સાથે સાથે ગુજરાતમાં જે પણ SC, ST, OBC, વિદ્યાર્થીઓ અને કર્મચારી પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસ કરવામાં આવ્યા છે, એ તમામ કેસો પરત લેવામાં આવે, એવી અમે માંગણી કરીએ છીએ. અને આવનારા દિવસોમાં સરકારને આ મુદ્દે મળવા માટે પણ જઈશું.





