Gopal Italia News: ખેડૂતોની 11 માંગણીઓને મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Gopal Italiaની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઇ, મધ્યઝોન કાર્યકારી અધ્યક્ષ ડો.જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી પરેશાન છે ત્યારે આમ આદમી પાર્ટીએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યુ હતુ. આ કિસાન પંચાયતના માધ્યમથી જે તે વિસ્તારના ખેડૂતો સાથે સંપર્ક કરી તેની સમસ્યા જાણવાનો વ્યાપક પ્રયાસ કર્યો હતો. ખેડૂતોએ પોતાની વેદનાઓ આમ આદમી પાર્ટી સામે રજૂ કરી અને ફોર્મ ભર્યા હતા. ગુજરાતનાં તમામ જિલ્લાના ખેડૂતોની વેદના, વ્યથા અને પીડાની મુખ્યત્વે 11 જેટલી માંગણીઓ લઈને આમ આદમી પાર્ટીનાં પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.

AAP ધારાસભ્ય Gopal Italiaએ ખેડૂતોની માંગણીઓ વિશે જણાવતા હતું કે, ખેડૂતોની 11 મુખ્ય માંગણીઓ છે, જેવી કે 1. તમામ મંડીઓમાંથી “કડદા પ્રથા” તાત્કાલિક બંધ કરવી. કડદા કરનારાઓને જેલ ભેગા કરવામાં આવે. 2. ખેડૂતોના પાકને APMC માર્કેટ સિવાય ગોડાઉન કે ફેક્ટરીમાં પહોંચાડવા માટે દબાણ કરવામાં ન આવે. 3. સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત દરેક પાકના ખેડૂત / ભાગીયાઓ, ખેતમજૂરોને પંજાબ સરકારની જેમ, પ્રતિ હેક્ટર ₹50,000નું વળતર આપવું અને એક મહિનામાં જ ચુકવવાની જોગવાઈ કરવામાં આવે. 4. ડેરીમાં પશુપાલકોને તમામ સંઘોમાં ભાવફેરનો હિસાબ સીધો તેમના ખાતામાં અને સમયસર આપવામાં આવે. 5. ખેડૂતોને દિવસમાં ૧૨ કલાક મફત વીજળી આપવામાં આવે. 6. હડદડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવામાં આવે અને જેલમાં બંધ ખેડૂતોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. 7. તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા MSP (ન્યુનત્તમ આધારભાવ) પર કરવામાં આવે. 8. ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતરની ઉપલબ્ધિ કરાવવામાં આવે. 9. શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચૂકવણી કરવામાં આવે અને બંધ સુગર મિલો ફરી શરૂ કરવામાં આવે. 10. CCI દ્વારા કપાસની ખરીદી ડિસેમ્બરને બદલે ૧ ઑક્ટોબરથી શરૂ કરવામાં આવે. 11. ગુજરાતમાં બેફામપણે હાઇટેન્શન લાઇન નાખવામાં આવે છે પરંતુ ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી.

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર ગુજરાતનાં ખેડૂતો આમ આદમી પાર્ટીને એક આશાભરી નજરે જોઈ રહ્યા છે. જે રીતે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતો, ભાગીયા અને ખેતમજૂરોને વળતર ચૂકવે છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ ખેડૂતોને વળતર ચૂકવે તેવી રજૂઆત અમે મુખ્યમંત્રીને કરી છે. આ કોઈ રાજકીય કે આમ આદમી પાર્ટીની માંગણી નથી, આ ગુજરાતનાં ખેડૂતોની અને ખેતીને જીવતી રાખવાની માંગણીઓ છે. જો ખેતી જ નહીં વધે તો આપણા બધાનાં પેટ ભરવાનો પ્રશ્ન ઉભો થશે. આજે ખેતીમાં ખર્ચા વધ્યા,અનિશ્ચિતતા વધી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તો ક્યારેક જંગલી પશુઓનો ત્રાસ વધ્યો, APMCમાં કડદો કરવામાં આવ્યો, ખેડૂતોની મંજૂરી વગર તેના ખેતરમાં રેલ્વે, વિજળીની લાઇનો નાખીને ખેડૂતોને ખેતી છોડવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતનાં ખેડૂતોની પાર્ટી તરીકે મુખ્યમંત્રીને આજે રજૂઆત કરી છે. મને આશા છે કે 11 મુદ્દાઓ પર ગુજરાતની સરકાર સત્વરે નિર્ણય કરી ખેડૂતો અને ખેતી માટે કંઈક સારું કરશે.