Banaskantha: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઇકબાલગઢ નજીક ગંગાસાગર પાટિયા પાસે રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
અહેવાલો અનુસાર, ઇકબાલગઢ નજીક ગંગાસાગર પાટિયા નજીક પસાર થતી ટ્રેનની અડફેટે એક અજાણ્યા યુવક અને યુવતીનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ અમીરગઢ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે મોકલી આપ્યા હતા.
પોલીસે મૃતકના કપડાં અને સામાનની પ્રાથમિક તપાસ કરી હતી જેથી તેની ઓળખ થઈ શકે. જોકે, મૃતક પાસેથી કોઈ ઓળખપત્ર કે દસ્તાવેજો મળ્યા નથી, તેથી તે કોણ હતો કે ક્યાં રહેતો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ દરમિયાન, યુવકના પેન્ટના ખિસ્સામાંથી ફાટેલી 100 અને 500 રૂપિયાની નોટો મળી આવી હતી, જે પોલીસે કબજે કરી છે.
અમીરગઢ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને મૃતકના પરિવારની શોધખોળ શરૂ કરી છે. નજીકના ગામડાઓ અને પોલીસ સ્ટેશનોમાં સંદેશા મોકલીને મૃતકની ઓળખ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આત્મહત્યા પ્રેમ સંબંધનું પરિણામ હતું કે અન્ય કોઈ કારણ હતું તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.





