Kiran Vejalpur AAP: આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ પ્રમુખ Kiran Vejalpurએ સરકારનું ગૌચર જમીનનું ષડયંત્ર ખુલ્લું પાડતા વિડીયોનાં માધ્યમથી જણાવ્યું હતું કે કહેવાતી હિંદુવાદી સરકારનાં રાજમાં આજે ગૌચર રહ્યા નથી. જે સરકાર ગાય માતાને કારણે જ રાજનીતિમાં આવી તેણે જ ગાયોનું પતન કરવાનું ષડયંત્ર કર્યુ. સરકારના આંકડા પ્રમાણે, ગુજરાતમાં ફક્ત 8.5 લાખ હેકટર ગૌચર બચી છે. 4.10 લાખ હેક્ટર પર દબાણ છે. 2.10 લાખ હેક્ટર ગાયબ છે. સરકારને પૂછવું જરૂરી છે કે આ ગૌચર ક્યાં ગયા? આજે પશુપાલકોને વ્યવસાય કરવો ખૂબ કઠિન બની ગયો છે. પશુપાલકોને ઘરે બેસાડીને ગાય રાખવી પોસાય તેમ નથી. તેને ગૌચર એક માત્ર વિકલ્પ હતો જેથી વ્યવસાય કરવો સરળ રહેતો હતો. આવનાર દિવસોમાં ઓરિજનલ દૂધ મોઘું બને તેવી શક્યતાઓ પણ છે. આજે સમજવાની જરૂર છે કે શહેરમાં ગાય માતા વિરૂદ્ધ એક ભયનું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે. કોઇ એક બે બનાવ બન્યા તેના પરથી ગાય માતાને હિંસક પ્રાણી તરીકે ચિતરવામાં આવી અને ગાય માતા અને પશુપાલકોને શહેરની બહાર કાઢી મુક્યા. ગાય માતા હિંસક નથી. ભાજપના બે પગવાળા આખલા હિંસક હતા. આ લોકોએ ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં ગૌચર તેમના અદાણીને આપી દેવામાં આવી. તેવી જ રીતે મોટા શહેરોમાં આપણી ચિંતા કરવાના બહાને આ બે પગવાળા આખલાઓ ગૌચર ચરી ગયા અને તમને અને મને મૂર્ખ બનાવી ગયા. આજે શહેરોમાં દૂધ લેવા માટે લાયસન્સ લેવું પડે છે અને બુટલેગરો બેફામ દારૂ વેચે છે. આપણી માતાઓ- બહેનો સુરક્ષિત નથી. નબીરાઓ રોડ પર અકસ્માતમાં લોકોને મારી નાખે છે. તેની ચિંતા કરવાની જરૂર ન લાગી અને પશુપાલકોને બહાર કાઢીને ગૌચર ખાઇ ગયા.
Kiran Vejalpurએ વઘુમાં જણાવ્યું કે ગુજરાતમાં ખેતી અને પશુપાલક એમ બે પૈડા છે. પશુપાલક છે તો ખેતી છે, અને ખેતી છે તો પશુપાલક છે. જો પશુધન નહીં હોય તો ખાતર નહીં હોય. ખાતરથી અન્ન પેદા થાય છે અને આ સરકાર હવે કેમિકલવાળા ખાતર લાવી રહી છે. આથી તમારી અને મારી સાથે ચેડાં પણ થઇ રહ્યા છે. મારી સરકારને નમ્ર વિનંતી છે કે પશુપાલનનો વ્યવસાય વધે અને ગુજરાતને સારું દૂધ મળી રહે તે માટે 100 પશુ દીઠ 40 એકર જમીન હોવી જોઇએ અને શહેરોમાં રહેતા માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો. ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો ગુજરાતને અન્ય રાજ્ય પર નિર્ભર રહેવું પડશે. કદાચ ભારતને પણ અન્ય દેશ પર નિર્ભર રહેશું પડશે. દૂધ પ્રોડક્ટ્સનાં ઉત્પાદન માટે હમણા અમેરિકા સરકાર સાથે વાતો ચાલી રહી છે. એટલે અમેરિકાની દૂધની પ્રોડક્ટ ભાજપ સરકાર ભારતમાં લાવી રહી છે. ત્યાંની ગાયો નોનવેજ ગાયો કહેવાય છે. આ નોનવેજ ગાયોનું દૂધ આપણા બાળકોને પીવડાવીશું ? આપણા બાળકોને આ દૂધની ચોકલેટ ખવડાવીશું ? ખરેખર સમજવાની જરૂર છે કહેવાતી હિંદુવાદી સરકાર પોતાના સ્વાર્થ માટે, ડોનાલ્ટ ટ્રમ્પ અને અદાણી- અંબાણી મિત્ર માટે કોઇ પણ હદ વટાવી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમારો આત્મા જગાડવાની જરૂર છે. પશુપાલકોનો વ્યવસાય આજે ખતરામાં છે. હિંદુ ધર્મની ગાય માતા પણ ખતરામાં છે. હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે ગાય પણ સુરક્ષિત નથી. અમદાવાદમાં હાઇકોર્ટની આજુબાજુમાં કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો “નો કેટલ ઝોન”. સાહેબ “નો દારૂ ઝોન”, “નો ડ્રગ્સ ઝોન “ જાહેર કરો તો અમે તમને સમર્થન આપીશું. માત્ર ઉદ્યોગપતિ અને સાહેબને રાજી કરવાનાં તમારા ધંધા બંધ કરો.





