Isudan Gadhvi AAP: આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર “ગુજરાત જોડો” જનસભાનું આયોજન થઈ રહ્યું છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના નગરપીપળીયા ગામે “ગુજરાત જોડો” જનસભાનું આયોજન થયું હતું. આ જનસભામાં આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિત પ્રદેશના હોદ્દેદારો અને સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને સ્થાનિક લોકોએ હાજરી આપી હતી. ગુજરાતના ગામેગામ થઈ રહેલી “ગુજરાત જોડો” જનસભામાં આમ આદમી પાર્ટીને જે રીતે જન સમર્થન મળી રહ્યું છે એનાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી તથા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નવો ઈતિહાસ લખશે.
ગુજરાત જોડો જનસભામાં AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi એ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં વિઝન વિનાની સરકાર છે. ગામનો કે ગામ લોકોનો વિકાસ ન થાય તો આ સરકાર શું કામની? એક વડીલ ઘર વ્યવસ્થિત ન ચલાવે તો ઘર દેવાના ડુંગરમાં આવી જાય, આ તો રાજ્ય ચલાવે છે. રાજ્યમાં ચારે બાજુ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે. કચ્છમાં આવતીકાલે AAPની કિસાન મહાપંચાયત છે. કચ્છમાં પાંચ વીઘાના ખેતરમાંથી અદાણીના પાંચ થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. આ ભાજપની સરકાર છે કે અદાણીની એ જ ખબર પડતી નથી. 162 ધારાસભ્ય, 25 સાંસદ, મુખ્યમંત્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતનાં સભ્યો છે છતાં પણ કોઈની તાકાત નથી કે અદાણી સામે બોલી શકે. એટલા માટે આપણે જ્ઞાતિ,જાતિ, ધર્મ ભૂલીને એક થવાનો સમય આવી ગયો છે. તમારા દીકરાને ભણાવા માટે ભાજપ ગામમાં શિક્ષક નથી આપતી છતાં પણ આપણે કમળનું બટન દબાવીએ છીએ. તો વાંક કોનો ભાજપનો ? કે આપણો ? વર્ષ 2014 પછી કેટલી ચૂંટણીઓ આવી? છતાં પણ આપણે બે-બે કિલોમીટર લાઇનમાં ઉભા રહીને કપાસ વેંચીને આવીએ છીએ અને છતાં પણ કમળનું બટન દબાવીએ તો નરેન્દ્ર મોદીનો વાંક નથી.
વધુમાં AAP પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi એ જણાવ્યું હતું કે અમે વિઝન લઈને નીકળ્યા છીએ કે ગુજરાતમાં શું હોવું જોઈએ. આજે ખેડૂતો મગફળીઓ વાવે છે પરંતુ તેમને ખ્યાલ નહીં હોય કે તેમને પરફેક્ટ કેટલો ભાવ મળશે, પરંતુ અમારી સરકારમાં ખેડૂતોને મગફળી વાવતા પહેલાથી જ ખબર હશે કે મગફળીનો ભાવ શું મળશે. અમારી સરકારમાં કોઈ ખેડૂતોને લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. શું મુકેશ અંબાણી લાઈનમાં ઊભા રહે છે? શું અદાણી લાઈનમાં ઊભા રહે છે? શું બીજા કોઈ ઉદ્યોગપતિ લાઈનમાં ઊભા રહે છે? તો પછી મારો ગરીબ ખેડૂત શા માટે લાઈનમાં ઊભો રહે છે? અમારી સરકારમાં ખેડૂતોએ મિસકોલ મારવાનો રહેશે અને પછી સરકાર ખેડૂતના ઘરે આવીને માલ ખરીદી લેશે, કારણકે ખેડૂતોનો માલ ખરીદવાની જવાબદારી સરકારની છે, આ પ્રકારની વ્યવસ્થા અમે અમારી સરકારમાં ઊભી કરીશું. પ્રજાને મારી વિનંતી છે કે કોઈપણ સરકારને 15 વર્ષથી વધારે સમય ન આપો. ભાજપ કરતા અમારામાં દસ ગણી આવડત છે. કારણ કે તે આઠ પાસ છે અમે ડબલ ગ્રેજ્યુએટ છીએ. અમે કર્મનાં સિદ્ધાંતમાં માનીએ છીએ, માટે અમે કોઈ ખોટું કામ કરતા નથી.
આ પણ વાંચો:શશી થરૂરના ગઢ Keralaમાં ભાજપનો ઐતિહાસિક વિજય, ચાર દાયકા પછી ડાબેરીઓના વર્ચસ્વનો અંત





