Chaitar Vasava News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે વાત કરતાં AAP ધારાસભ્ય Chaitar Vasavaએ જણાવ્યું હતું કે આદિજાતિનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 1-7-2010થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવી હતી. ગત વર્ષે 28-10- 2024ના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી હતી. બાદમાં અમે હજારો વિદ્યાર્થીઓની રજૂઆતને લઈને વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન ખાતે અમે કમિશનર અને સચિવને રજૂઆત કરી હતી. બાદમાં વિધાનસભામાં પણ હજારો વિદ્યાર્થીઓ સાથે ઘેરાવો કરવાનાં પ્રયાસ કર્યા હતા. વિધાનસભા ગૃહમાં આ મુદ્દે મક્કમતાથી મેં રજૂઆત કરી હતી અને તે દિવસે મને વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. સરકારે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનાં અનેક કારણો બતાવ્યા હતા અને ટસની મસ થઇ ન હતી. ત્યાર બાદ જૂન મહિનામાં અમે આદિજાતિ વિસ્તારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા સરકાર કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં સરકારે તાત્કાલિક ધોરણે 24 જૂન 2025ના રોજ બીજો એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પુન: બહાર પાડવાની ખાતરી આપી હતી. પરંતુ જમા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે અમે 25 નવેમ્બર 2025ના રોજ બિરસા મુંડા ભવન અને સ્વર્ણિમ સંકુલ -1 માં મંત્રીને મળ્યા અને રજૂઆત કરી હતી કે 15 દિવસમાં શિષ્યવૃતિ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગરમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું.
AAP નેતા ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આખરે સરકારનાં આદિવાસી જાતિનાં મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે “વર્ષ 2024-25ની ₹460 કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે જમા કરીએ છીએ.” સરકારનાં આ નિર્ણયને અમે સહજતાથી આવકારીએ છીએ. સાથે સાથે અમે ત્રણ મુદ્દાની પણ રજૂઆત હતી કે કેટલાક લોકોએ ખોટા આદિવાસી જાતિનાં દાખલા મેળવી શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો છે, તેમની તપાસ કરી દૂર કરવામાં આવે. બીજી માંગ હતી કે હમણાંની ભરતી પ્રક્રિયામાં આદિજાતિનાં ઉમેદવારોએ ફરજીયાત 40% મેરીટ લાવવું, એવી જે પ્રક્રિયા બનાવી છે, એ પ્રક્રિયા નાબૂદ કરવામાં આવે અને અનામતનાં રોસ્ટર પ્રમાણે જેટલી જગ્યાઓ આદિજાતિઓ માટે ફળવાય છે એટલી જ જગ્યા ફાળવવામાં આવે તેવી અમારી માંગ છે. અન્ય માંગ હતી કે આદિજાતિ વિકાસ સંચાલિત દ્વારા જે છાત્રાલયો છે તેમાં મહિનાનું ફૂડ બિલ માત્ર ₹ 2100 રૂપિયા છે એટલે રોજનાં 70 રૂપિયામાં વિદ્યાર્થીઓનું ભણવાનું, રહેવાનું, લાઈટની સુવિધા, નાસ્તો અને બે ટાઈમનું જમવાનું આવે છે, આ મોંઘવારીમાં સંચાલકોને પોસાતું નથી અને વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર મળતો નથી. આ બિલ ₹2100થી વધારીને ₹3000 કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ તમામ માંગ અંગે સત્વરે પગલાં લેવામાં આવે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ.





