Arvind Kejriwal News: આજે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટમાં એક ખૂબ જ ગંભીર મુદ્દા પર પત્રકાર પરિષદમાં મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે, “આજે તમામ લોકોએ ગુજરાતમાં ભાજપ સરકારની તાનાશાહીનું જીવંત ઉદાહરણ જોયું. આજે, હું રાજકોટ જેલમાં કેદ ખેડૂતો અને ખેડૂત નેતાઓને મળવાનો હતો. પરંતુ મને મળવા દેવામાં આવ્યો નહીં. આનાથી મોટી તાનાશાહી કઈ હોઈ શકે? શું હું આતંકવાદી છું? જેલમાં બંધ લોકો ખેડૂતો છે, આપણા દેશનાં નાગરિક છે, ગુનેગાર નથી. મેં ગઈકાલે પરવાનગી માંગી હતી, પરંતુ આજે સવારે મને એક સંદેશ મળ્યો કે, ‘તમને મળવાની મંજૂરી નથી.’ જ્યારે અંગ્રેજોએ ભગતસિંહને કેદ કર્યા, ત્યારે ભગતસિંહનાં સાથીઓને પણ જેલમાં તેમની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી. ગુજરાતમાં 54 લાખ ખેડૂત પરિવારો ખેતીમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આજે, ગુજરાતમાં ખેડૂતો ખૂબ જ કઠોર પરિસ્થિતિમાં છે. તેમને બીયારણ મળતા નથી, અને ખાતર માટે લાંબી લાઇનો લાગે છે, જેનાં કારણે ઝઘડા થાય છે.
ખેડૂતોને પુરા ભાવ મળતા નથી, ખેડૂતો સાથે 1500 રૂપિયામાં ડીલ થાય છે, તેમ છતાં માત્ર 1200 રૂપિયા આપે છે. તો આ કડદા પ્રથાનાં વિરોધમાં જ્યારે ખેડૂતો એકત્ર થયા ત્યારે તેના પર ભાજપની અત્યાચારી સરકારે લાઠીચાર્જ કર્યો. પોતાની માંગ શાંતિપૂર્ણ રીતે મૂકી રહેલા 88 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી. જામીનનાં દિવસે પણ પોલીસવાળા કોર્ટમાં પહોંચતા નથી, એનો અર્થ કે જાણી જોઇને તમે ખેડૂતોનું મનોબળ તોડવા માંગો છો. 88માંથી 42 લોકોને જામીન મળ્યા છે. ગઈકાલે હું તે ખેડૂત પરિવારોને મળ્યો, જેઓનાં બાળકો જેલમાં છે અથવા કેટલાક લોકો છૂટીને આવ્યા છે. તેમની આપવીતી સાંભળીને આંખમાં આંસુ આવી જાય તેવું છે. તેમણે જણાવ્યું કે ધરપકડ કર્યા બાદ ખેડૂતોને પહેલા 24 કલાક સુધી પાણી આપવામાં આવ્યું નહીં, તેમને ખાવાનું પણ આપવામાં આવ્યું નહોતું અને પોલીસે તેમને માર માર્યો હતો. બીજેપી આખરે શું ઇચ્છે છે? હું બીજેપીને કહેવું માંગું છું કે ભગવાનથી ડરો. ગઈકાલે મને મળવા આવેલા ખેડૂત પરિવારોને હું સલામ કરું છું કારણ કે તેમના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું કે “Arvind Kejriwalને મળવા ન જાવ.” હું આ બાબતે એટલું જ કહેવા માંગું છું કે એક દિવસ ગુજરાતની જનતા એક સાથે ઊભી રહેશે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં ખેડૂતો લોન લઈને પોતાના બાળકોને શિક્ષણ અને કોચિંગ માટે અમદાવાદ અને સુરત જેવી જગ્યાએ મોકલે છે. જ્યારે બાળકો પરીક્ષા આપવાના હોય છે, ત્યારે તેમનાં પેપર લીક થઈ જાય છે. આપણે આ બાળકોને રડતા જોયા છે. તો આ પેપર લીક કરનારા કોણ છે? હકીકતમાં, આ લોકો જ પેપર લીક કરે છે. હવે, આ બાળકોને અવાજ ઉઠાવતા અટકાવવા માટે જ સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. આજે, ગુજરાતની દરેક શેરીમાં ડ્રગ્સ ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર દરેક પરિવારને બરબાદ કરી રહી છે. પરંતુ હું માનું છું કે આ તેમનાં છેલ્લા દિવસો છે, કારણ કે સમગ્ર ગુજરાતનાં લોકો ભેગા થઈ રહ્યા છે. ગુજરાતમાં બે વસ્તુઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે, ડ્રગ્સ અને રસ્તાઓ પર ખાડા. 30 વર્ષથી ગુજરાત બરબાદ થઈ રહ્યું છે, તેથી હવે આનો અંત લાવવાનો સમય આવી ગયો છે.
Arvind Kejriwal આગળ જણાવ્યું કે અત્યાર સુધી, લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો. કારણ કે કોંગ્રેસ અને ભાજપ બંને ગઠબંધનમાં છે. કોંગ્રેસ નથી ઇચ્છતી કે ભાજપ સરકાર ગુજરાતમાં સત્તા ગુમાવે. પરંતુ હવે ગુજરાતનાં લોકો પાસે વિકલ્પો છે, અને આમ આદમી પાર્ટી વિશે દરેક ઘરમાં ચર્ચા થઈ રહી છે. લોકો ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, રાજુ કરપડા, પ્રવીણ રામ, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયા જેવા નેતાઓ તરફ ખૂબ આશા રાખી રહ્યા છે. જ્યારે અમારા નેતાઓ બોલે છે, ત્યારે લોકો સાંભળે છે. ભાજપ કે કોંગ્રેસનાં એક પણ એવા નેતાનું નામ જણાવો જેને લોકો માને કે તે ગુજરાતને સુધારશે. હું ગુજરાતનાં લોકોને કહેવા માંગુ છું કે તમારે જ ગુજરાતને બચાવવું જોઈએ. તમારા ડરને દૂર કરીને આગળ આવવું જોઈએ. ભાજપ સરકાર FIRનો ખેલ રમીને લોકોને ડરાવવા માંગે છે. મેં પોતે છ મહિના જેલમાં વિતાવ્યા છે, અને તેઓ તમને પણ જેલમાં નાખી શકે છે. પરંતુ હું જવાબદારી લઉં છું કે જેમની સામે ખોટી FIR દાખલ કરવામાં આવી છે, તેમના માટે અમે લડીશું. અને બે વર્ષમાં ચૂંટણીઓ છે, તેથી જ્યારે બે વર્ષ પછી સરકાર બદલાશે, ત્યારે અમે 24 કલાકની અંદર બધી ખોટી FIR પાછી ખેંચી લઈશું. તે પછી, ગુજરાતનાં લોકોને હેરાન કરનારા મંત્રીઓને જેલમાં મોકલવામાં આવશે. મુન્દ્રા પોર્ટમાંથી ખૂબ જ મોટી માત્રામાં ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું, એમના દોષી કોણ હતા? અને જે નથી પકડાયું, જે નીકળી ગયું છે તેનો કોઈ હિસાબ જ નથી. ગુજરાતમાં ડ્રગ્સ મળી રહ્યું છે, જેના કારણે યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે, તો શું આ ગુજરાત સરકારને મિલીભગત વગર શક્ય છે? પંજાબમાં જ્યારે અમે સરકાર બનાવી હતી ત્યારે ગલી ગલીમાં ડ્રગ્સ મળતું હતું. આજે અમારી સરકારમાં ત્યાં ડ્રગ્સ વેચવાવાળા લોકોના ઘર બુલડોઝરથી તોડવામાં આવી રહ્યા છે. અમારી સરકારે 25000થી વધારે ડ્રગ્સ વેચવાવાળા લોકોને ગિરફતાર કર્યા છે. અમે આ કરી શકીએ છીએ કારણ કે અમારી નિયત સાફ છે, આવું કામ ગુજરાતમાં શા માટે નથી થતું. નકલી દારૂ મળી રહ્યો છે એ લોકો પણ નથી પકડાઈ રહ્યા, કારણ કે એ લોકો આમની સાથે મળેલા છે.





