Arvind Kejriwal News: આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે તથા ગુજરાતમાં ખેડૂતો પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે. જેને અનુસંધાને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwalનું આજે ગુજરાતમાં આગમન થયું છે. રાજકોટ એરપોર્ટ ખાતે સાંજે અરવિંદ કેજરીવાલજીનું આગમન થયું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ અને જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી Arvind Kejriwal રાજકોટ પહોંચ્યા બાદ ગુજરાતની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતની હાલત દિવસ અને દિવસે ખરાબ થઈ રહી છે. સરકાર પોતે માને છે કે તેમનાથી ગુજરાત નથી સંભાળી શકાતું, માટે જ તેઓએ થોડા દિવસ પહેલા મંત્રીમંડળ બદલ્યું. ભાજપ સરકારે જાતે માન્યું કે તેમના મંત્રીઓ ભ્રષ્ટાચારી હતા માટે મંત્રીમંડળ બદલવું પડ્યું. જે ખેડૂતો પોતાના હકની લડાઈ લડી રહ્યા હતા, એમના દીકરાઓને સરકારે જેલમાં નાખ્યા. અમુક ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે અને અમુક હજુ પણ જેલમાં છે. અમે તમામ ખેડૂત પરિવારો સાથે ઉભા છીએ, આવતીકાલે હું ખેડૂત પરિવાર સાથે મુલાકાત કરીશ. ગુજરાતમાં ચારે બાજુ નકલી દારૂ વેચાઈ રહ્યો છે, જેના કારણે યુવાનો મરી રહ્યા છે. ગુજરાતમાં નશાનો કારોબાર ખૂબ જ વધી ગયો છે, એના પર સરકાર કોઈ પગલાં નથી લેતી પરંતુ સરકાર ખેડૂતોને જેલમાં નાખે છે. અમે ભાજપની નિષ્ફળતાઓ ગણાવીએ છીએ તો કોંગ્રેસને તકલીફ થાય છે. જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંક્યું, તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શું ચાલી રહ્યું છે? 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર ચાલતી આવે છે. મુન્દ્રા પોર્ટ સમગ્ર દેશ માટે ડ્રગ્સનો એક રૂટ બની ગયું છે. જેના કારણે ખૂબ જ મોટી માત્રામાં ડ્રગ્સ ગુજરાતમાં રહી જાય છે બાકી બહાર મોકલવામાં આવે છે. ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે, નશાનું પ્રમાણ વધી રહ્યું છે, બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. 30 વર્ષથી ચાલતી ભાજપ સરકારમાં ખૂબ જ અહંકાર આવી ગયો છે, માટે આ સરકારને હટાવવી પડશે.





