Chaitar Vasava News: સુરતના કામરેજ (વેલંજા) ખાતે સમસ્ત આદિજાતિ સમાજ દ્વારા આયોજિત ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી હતી. આ તકે સભાને સંબોધતા ધારાસભ્ય Chaitar Vasavaએ જણાવ્યું હતું કે ભગવાન બુદ્ધ, કબીર સાહેબ, જ્યોતિબા ફૂલેને ક્યારેય બાબાસાહેબ મળ્યા નથી, પરંતુ તેમના વિચારોથી પ્રેરિત થયા અને દેશ અને દુનિયાનાં કરોડો શોષિતો માટે ચિંતા કરી. બાબાસાહેબ જ્યારે શાળામાં જતા હતા ત્યારે તેમની જાત પૂછવામાં આવી હતી, તેમની જાતને નીચી ગણવામાં આવી, તેઓને બહાર બેસાડવામાં આવ્યા, ત્યારે બાબા સાહેબનાં માનસ પર આ ઘટનાની ઉંડી અસર થઈ હતી. તેઓએ ઘરે જઈને તેમની માતાને કહ્યું “મા શાળામાં શિક્ષણ લેવાનું અધિકાર તો બધાનો છે, મારી સાથે શા માટે આ પ્રકારનો ભેદભાવ?” ત્યારે માતાએ કહ્યું, “બેટા આપણે નીચી જાતિમાં આવીએ છીએ. એક પુસ્તકમાં લખેલું છે કે આપણે નીચી જાતિમાં આવીએ છીએ. એટલે આ ભેદભાવ તારી સાથે થઈ રહ્યો છે.” ત્યારે બાબા સાહેબ બાળક હતા પરંતુ તેમણે કહ્યું હતું કે “મા મને જ્યારે પણ તક મળશે ત્યારે આ પુસ્તકમાં લખેલ શબ્દ બદલી કાઢીશ” અને ત્યારથી તેમનાં સંઘર્ષની શરૂઆત થઈ.
ધારાસભ્ય Chaitar Vasavaએ વધુમાં જણાવ્યું હતું કે, જે દીકરાને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, એ દીકરો એટલે બાબાસાહેબ આંબેડકર દેશમાં પણ ભણ્યા અને દુનિયામાં પણ ભણ્યા. 32 જેટલી ડિગ્રીઓ બાબાસાહેબના નામની છે. ચાર વખત પીએચડી થયા. ભારતમાં નોકરીમાં જોડાયા ત્યારે પણ તેઓની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. ત્યારે બાબાસાહેબને થયું હું આટલો ભણેલો છું છતાં મારી સાથે આવા ભેદભાવ થાય છે તો બીજા લોકોની હાલત શું હશે ? ત્યારબાદ બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ કર્યો કે કરોડો લોકો સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે, તેને હું નાબૂદ કરીશ. આપણી વચ્ચે બંધારણ આવ્યું ત્યાં સુધી બાબાસાહેબ આંબેડકર લડતા રહ્યા. કોઈની મહેરબાની કે કોઈના આશીર્વાદથી નહીં પરંતુ પોતાની ક્ષમતાનાં કારણે તેઓ બંધારણનાં અધ્યક્ષ બન્યા અને આપણા દેશને બંધારણ આપ્યું. દરેક લોકો માટે તેમને બંધારણમાં જોગવાઈ કરી પરંતુ બાબા સાહેબ આંબેડકરને કેટલાક લોકોએ દલિતના નેતા તરીકે સીમીત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓનાં અવસાન પછી તેમને ભારત રત્ન મળ્યું. પરંતુ અમારા બાબાસાહેબ ભારત રત્નનાં નહીં પરંતુ વિશ્વ રત્નનાં કાબીલ હતા.





