Gopal Italia AAP News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પોતાના પર થયેલા હુમલા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વિસાવદરમાં જનતાએ ભાજપનાં ગઠબંધનને જે ખરાબ રીતે જાકારો આપ્યો છે. એ જોઇને ભાજપ અને કોંગ્રેસ પાર્ટી રઘવાઇ ગઇ છે. વિસાવદરમાં ચૂંટણી વખતે કોંગ્રેસનાં લોકોએ હોટલમાં બેસીને પૈસા વહેંચીને ભાજપનાં સમર્થનમાં કામ કર્યું અને કોશિશ કરી કે Gopal Italia હારી જાય પરંતુ આ કોશિશ નિષ્ફળ ગઈ. ભાજપ અને કોંગ્રેસને શરમજનક હાર મળી. વિસાવદરની ચૂંટણી બાદ મોરબી, રાજકોટ, ગાંધીધામ, ચૈતર વસાવાની સભામાં, પ્રવીણ રામની સભા જેવી અનેક સભામાં ભાજપનાં માણસોએ આવી સભાઓને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું. આ જોઇને જનતા નારાજ થઇ. ગોપાલ ઇટાલિયા જીત્યો છે તો તે જનતાનાં આર્શીવાદથી જીત્યો છે. પહેલા સભામાં ભાજપનાં માણસો ખલેલ પહોંચાડતા હતા. પરંતુ હવે ભાજપે સ્ટ્રેટેજી બદલી ગઇ કાલે ભાજપે કોંગ્રેસનાં એક માણસને મોકલી મારી સભા ડિસ્ટર્બ કરવા માટે જણાવ્યું. હકીકતમાં ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા માંગે છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી ભાજપ-કોંગ્રેસે સાથે મળીને જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે. ભાજપે જનતા પર દમન, ભ્રષ્ટાચાર, તાનાશાહી કરી. કોંગ્રેસે વિરોધ કરવાને બદલે કમીશન લઇ લીધું. છેલ્લા 30 વર્ષોથી ચાલતો આવતો ભાગીદારનો ખેલ આમ આદમી પાર્ટી આવવાથી બંધ થઇ રહ્યો છે. ફ્રેન્ડલી મેચ બંધ થઇ જતા બન્ને રઘવાયા થઇને આ કામ કરી રહ્યા છે.

ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે કોંગ્રેસનાં માણસે મારા પર જૂતુ ફેંક્યું મને કંઇ વાંધો નથી, હું માફ કરૂ છું. તેને ક્યારેક અહેસાસ થશે કે મેં ખોટુ કર્યુ છે. કાલનાં મારા ભાષણમાં દૂર-દૂર સુધી પોલીસવાળા ક્યાંય ઉભા ન હતા. મારા 15 મિનિટનાં ભાષણ પછી અચાનક એક પછી એક એમ આઠ જેટલા પોલીસવાળા મારા સ્ટેજની આજુ-બાજુમાં ગોઠવાવા લાગ્યા. આ પોલીસવાળા પોતે જ કોંગ્રેસી માણસને લઇને આવ્યા હતા.પોલીસે ઇશારો કર્યો અને પહેલા માણસે પોતાનું કામ કર્યું. પોલીસ ખરેખર આ માણસને એસ્કોર્ટ કરવા માટે આવી હતી. પોલીસ દારૂ જુગાર અને બળાત્કારની એફઆઇઆર લખવા માટે પણ તૈયાર નથી તો આ કોંગ્રેસી માણસને બચાવવા માટે કઈ રીતે આવી ? સ્પષ્ટ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને સાથે મળી જામનગરમાં મારા પર હુમલો કરવાની કોશિશ કરી. પોલીસે પહેલા એ માણસને પ્રોટેક્શન આપ્યું. હું આ માણસ પર ફરિયાદ કરવાનો નથી, પરંતુ હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. સામાન્ય રીતે આવું કઈ બને તો પોલીસ પોતે ફરિયાદી બનીને ફરિયાદ કરતી હોય છે.પરંતુ આ કિસ્સામાં આટલી બધી મહેરબાની કેમ? આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય હેમંત ખવા પહેલા કોંગ્રેસમાં કામ કરતા હતા અને આ ભાઈ પણ કોંગ્રેસી છે એટલે બંનેના જુના ફોટા લાવી ટીવીમાં એજન્ડા ચલાવવામાં આવ્યા. તો નરેન્દ્ર મોદીનો પણ આસારામ સાથે ફોટો છે, આનો અર્થ શું કાઢવાનો ? સુરતમાં ડ્રગ વહેંચતા અમિત આહીરની સાથે ગૃહમંત્રીનો ફોટો છે, તો શું સમજાવું?

ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સવાલ એ છે કે પોલીસની આટલી મહેરબાની કેમ? પોલીસે 151 પણ નથી કરી. હર્ષ સંઘવીની સભામાં કોઇ જુતુ ઉઠાવે તો શું પોલીસ જવા દેશે? હર્ષ સંઘવી નહીં પરંતુ પોલીસ ફરિયાદી બની કામ કરશે કારણ કે તેમને પ્રમોશન જોઇતું હોય છે. પોલીસ કોઇ કાર્યવાહી ન કરી તેનો અર્થ એ થયો કે ગોપાલ ઇટાલિયા પર જુતું ફેંકવા માટે સપોર્ટ કર્યો છે. ભાજપ -કોંગ્રેસને આ પ્રકારનાં કામો કરવા માટે માણસો મળી રહે છે. પરંતુ સામાન્ય માણસનાં કામ કરવા માટે તેમની પાસે સમય નથી. ગુજરાતમાં માવઠાનો ભોગ બનનાર હજારો ખેડૂતોને રૂપિયા મળ્યા નથી. બિયારણ, ખાતર, માવઠાનાં ફોર્મ માટે સતત લોકો લાઇનમાં ઉભા છે. અહીં કામ કરવાની જગ્યાએ સરકાર આમ આદમી પાર્ટીને પાછળ ધકેલવાની કોશીશ કરી રહી છે. પ્રદિપસિંહ પર હુમલો કરનાર વ્યક્તિ કોઈ પોલિટિકલ માણસ ન હતો, પરંતુ મારા પર જૂતું ફેકનાર વ્યક્તિ એક કોંગ્રેસી છે. જેનામાં શક્તિ હોય એ શક્તિનો ઉપયોગ સત્તા સાથે લડવા માટે કરે, અમારા પર જૂતા ફેંકવાથી જનતાનો કોઈ ફાયદો નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓને વિનંતી છે કે ભાજપનો હાથો બનવાથી તમને કોઈ ફાયદો નથી. જનતાને વિનંતી છે કે આ ભાજપ-કોંગ્રેસની જોડીને ઓળખો.