Amit Shah khel Maha kumbh 2025: ગાંધીનગર લોકસભા સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો સમાપન સમારોહ યોજાયો હતો. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
સમાપન સમારોહમાં ગાંધીનગર લોકસભા સાંસદ તથા કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંડર ૧૭ અને ઓપન એજ ગ્રુપમાં કબડ્ડી, ખો-ખો અને વોલીબોલની વિજેતા ટીમોને સન્માનિત કરવામાં આવી હતી.
સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ના સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાંચ વર્ષ પહેલા ખેલકૂદ મહોત્સવના આયોજનનો વિચાર આપ્યો હતો. આ વિચાર આજે વટવૃક્ષ બન્યો છે. સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત દેશમાં ૩૦૦થી વઘુ મત વિસ્તારમાં લાખો ખેલાડીઓ ખેલ, ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. સાથે સાથે અનેક ખેલાડીઓને તેમની પ્રતિભા વિકસાવવાનું પ્લેટફોર્મ મળ્યું, જેનાથી ટેલેન્ટ સર્ચની શરૂઆત થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખેલ મહાકુંભ શરૂ કર્યો હતો, આજે દેશના વડાપ્રધાન તરીકે તેમણે દેશના યુવાનોને રમત ગમત માટેની જિજ્ઞાસા , સુવિધા, તાલીમ, સ્પર્ધાની પ્રેરણા આપી છે.
શાહે જણાવ્યું હતું કે, માણસના જીવનમાં રમત ગમતનું વિશેષ મહત્વ રહેલું છે. હાર્યા પછી જીતવાની શીખ સાથે ઝનૂનથી આગળ વધવાનો ગુણ દરેક ક્ષેત્રે આગળ લઈ જાય છે, સાથે જીતેલા રમતવીરને અહંકારી થયા વગર સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આગળ વધવાની શિક્ષા આપે છે,
તેમણે ગાંધીનગર લોકસભામાં થયેલ મહોત્સવની માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રણ ચરણમાં યોજાયેલ રમતોત્સવમાં ૧.૫૭ લાખથી વધુ ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન થયું છે,જેમાં ૮૭ હજાર પુરુષ અને ૭૦ હજાર મહિલા ખેલાડીઓ સામેલ થયા હતા તેમ જણાવી આગામી સમયમાં મહિલા ખેલાડીઓ વધુ રજિસ્ટ્રેશન કરાવે તેવી અપીલ કરી હતી.
તેમણે વિજેતા થયેલા ૮૫૦૦ ખેલાડીઓને અભિનંદન આપવાની સાથે પરાજિત થયેલ ખેલાડીઓને જીજીવિષા અને મહત્વકાંક્ષાને જીવનના પ્રેરણા સ્ત્રોત બનાવી આગળ વધવા આહવાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ આણંદ માં ૫૯ હજાર ખેલાડીઓના રજિસ્ટ્રેશન માટે પદાધિકારીઓએ અભિનંદન અપાતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીએ સાંસદોને કરેલ અપીલ આજે દેશના યુવાનો માટે માર્ગદર્શક બની છે.
તેમણે જણાવ્યું હતું કે શિસ્ત,ધ્યેય,ટીમ ભાવના અને ખેલદિલી જેવા ગુણોનો વિકાસ રમત ગમત થકી થાય છે, સાથે સાથે પ્રતિભાની પહેચાન, સ્વ-પરિચય, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, સાથે નશા મુક્ત ભારત અભિયાનને આગળ વધારવાનું કામ સાંસદ ખેલ મહોત્સવથી થાય છે.
વધુમાં વાત કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે દેશના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ શરૂ કરાવી છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્ર સરકારનું રમત ગમત ક્ષેત્રનું બજેટ ૮૦૦ કરોડ હતું, જે પાંચ ગણું વધીને ૨૦૨૫માં ૪૦૦૦ કરોડ થયું છે. દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓના લીધે વિવિધ મહત્વની સ્પર્ધાઓમાં મેડલની સંખ્યા પણ વધી છે એમ તેમણે ઉમેર્યું હતું.
વિવિધ સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓએ જીતેલા મેડલ વિશે વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં કોમનવેલ્થ રમતોમાં આપણા ખેલાડીઓએ ૧૫ મેડલ જીત્યા હતા જે ૨૦૧૮માં ૨૬ અને ૨૦૨૨માં ૨૨ મેડલ થયા. એશિયન ગેમ્સમાં આપણા ખેલાડીઓએ પહેલા જીતેલા ૫૭ મેડલથી વધીને ૧૦૭ મેડલ જીત્યા, તો પેરા એશિયન ગેમ્સમાં પહેલા ૩૩ મેડલ હતા, જે વધીને ૧૧૧ મેડલ આપણા ખેલાડીઓ લાવ્યા છે. જ્યારે ઓલમ્પિક રમતો ભારતમાં રમાશે ત્યારે મેડલ ટેબલમાં આપણે ટોપ ફાઈવમાં હોઈશું એવો આશાવાદ આ તકે અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો હતો. સાથે જ, તેમણે ઉપસ્થિત સૌને વ્યસન મુક્ત રહેવા અને વધુને વધુ વૃક્ષારોપણ કરીને ગ્રીન કવર વધારવા પોતાનું યોગદાન આપવા સહયોગ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahના સફળ પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની કરવાનું ગૌરવ અમદાવાદને મળ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે પરેડાઈમ શિફ્ટ આપણે જોઈ રહ્યા છીએ. કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે ગુજરાત વિશ્વનું સ્પોર્ટ્સ હબ બનશે એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભે રાજ્યના ગામેગામથી લઈને શહેરના યુવાઓને સ્પોર્ટ્સ પ્રત્યે પ્રોત્સાહિત કરવા સાથે રાજ્યના સ્પોર્ટ્સ કલ્ચરને નવી દિશા આપી છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર ભાઈએ આ જ મોડલને ‘ખેલો ઇન્ડિયા’ના માધ્યમથી દેશમાં સ્થાપિત કર્યું છે.
દેશમાં સ્પોર્ટિંગ કલ્ચરને વેગ મળે તે હેતુસર વડાપ્રધાનએ સાંસદઓને તેમના મતવિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ યોજવા પ્રેરણા આપી છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ ઇવેન્ટ આજે એક મહત્વની સ્પોર્ટ્સ ઇવેન્ટ અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની સંવાહક બની છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ વિકસિત ભારતના નિર્માણ માટે નશામુક્ત ભારતના નિર્માણની વાત કરી છે. સાંસદ ખેલ મહોત્સવના લીધે આજે સમાજના યુવાનો ખેલકૂદ તરફ વળ્યા છે. સમાજના દરેક વર્ગ, દરેક વિસ્તાર અને દરેક ક્ષમતાના ખેલાડીઓને આ ખેલ મહોત્સવ તેમની પ્રતિભા ઝળકાવવાની તક આપે છે. વિવિધ રમતોમાં સૌ સાથે ભાગ લઈને સામાજિક સમરસતા, સમાનતા અને ક્ષમતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડે છે એમ તેમણે ઉમેર્યું હતું.
ગાંધીનગર સાંસદ ખેલ મહોત્સવ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમિતભાઈ શાહના ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં ૯થી ૬૦ વર્ષ સુધીની ઉંમરના કુલ ૧,૫૦,૦૦૦ ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાંથી ૮૦૦૦થી વધુ ખેલાડીઓ વિવિધ રમતોમાં વિજેતા બન્યા છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારને સૌથી હરિયાળો મતવિસ્તાર બનાવવાના અમિતભાઈના સંકલ્પ સાથે તેમણે પોતાના મતવિસ્તારના નાગરિકો ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના એમ્બેસેડર બને અને સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે.
અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ખૂબ મોટાપાયે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થઈ રહ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. ૨૦૩૬ સુધીમાં અમદાવાદમાં ૧૩ જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થવાનું છે ત્યારે આવનારા દિવસોમાં વધુને વધુ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે. અમદાવાદ હવે માત્ર દેશનું જ નહીં, સમગ્ર એશિયાનું સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઉભરી આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં વડાપ્રધાનએ આપેલા પાંચ પ્રણ પૈકીના એક એવા નાગરિક ધર્મનું પાલન કરીને ફિટનેસને રોજિંદા જીવનનો ભાગ બનાવવા સૌને અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૧મી સપ્ટેમ્બરથી ૦૫ ડિસેમ્બર દરમિયાન ‘ફિટ યુવા ફોર વિકસિત ભારત’ના સૂત્ર સાથે ગાંધીનગર લોકસભા સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મલખમ, એથલેટિક્સ, વોલીબોલ, કબડ્ડી, ખો ખો, સ્વિમિંગ, બેડમિન્ટન, ચેસ અને યોગાસન સહિતની ૯ જેટલી રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમાપન સમારોહમાં સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ની વિગતવાર માહિતી આપતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ના સમાપન સમારોહમાં ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી ઋષિકેશ પટેલ, રમત ગમત રાજ્ય મંત્રી ડો. જયરામભાઈ ગામીત, અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, અમદાવાદ શહેર અને ગ્રામ્યના ધારાસભ્યઓ સહિત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખઓ તથા અગ્રણીઓ પ્રેરકભાઈ શાહ, શિલ્પાબેન પટેલ, શૈલેષભાઈ દાવડા, અનિલભાઈ પટેલ, ડો. આશિષભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.





